એસટી બસના ચાલક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા થાણાગાલોલ ગામ નજીક શનિવારે સવારના સમયે એક ગંભીર અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગામના રહેવાસી ચેતનભાઇ ગોહેલ પોતાના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ પર સવાર થઈને ઘરેથી જેતપુર કામે જવા નીકળ્યા હતા. સવારના આશરે સાડા દસેક વાગ્યાના સુમારે થાણાગાલોલ જવાના જૂના રસ્તે ઊંધાડ સમાજની વાડી નજીક ચોકડી પર પહોંચતા જ જેતપુર તરફથી પૂરઝડપે આવી રહેલી એક કેસરી રંગની એસ.ટી. બસ ના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી બાઇક સાથે જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં ચેતનભાઇ મોટરસાઇકલ સાથે રોડ પર દૂર સુધી ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ અર્થે સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર પહોંચી હતી. ગામના હિતેશભાઈ ગોહેલ અને કેતનભાઈ સરવૈયા ઈજાગ્રસ્ત ચેતનભાઇને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, અકસ્માત એટલો ભયાનક હતો કે, ચેતનભાઈને માથાના કપાળના ભાગે ગંભીર ચીરો પડી જવાથી ભારે રક્તસ્રાવ થયો હતો અને તેમનો જમણો પગ ઢીંચણથી નીચે ભાંગી ગયો હતો. હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરે તપાસણી બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનાથી સમગ્ર થાણાગાલોલ ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ મૃતકના 24 વર્ષીય પુત્ર મેહુલભાઈ ગોહેલે હોસ્પિટલ પહોંચી પિતાના દેહની ઓળખ કરી હતી. પોલીસે જરૂૂરી વિધિ પતાવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અંતીમવિધિ માટે પરિજનોને સોંપ્યો હતો. ત્યારબાદ મેહુલભાઈએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં એસ.ટી. બસના ચાલક સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 106(1), 125(એ), 125(બી), 281 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
