ફરિયાદીએ આરોપીના જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી રક્ષણ માટે પો. કમિશનરને આવેદન પાઠવ્યું
રાજકોટ શહેરના સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલા દ્વારિકા વિલેજ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ ચંદુભાઈ હીરાણી દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે એક ગંભીર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, તેમના જ બિલ્ડિંગમાં ફ્લેટ નંબર એ-204 માં રહેતો હાદિકભાઈ મહેશકુમાર પોપટ નામનો શખ્સ તેમની પત્ની અને નાના બાળકોની સતત માનસિક તેમજ શારીરિક છેડતી કરતો હતો. આ અંગે અગાઉ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં યોગ્ય કડક પગલાં ન લેવાતા આરોપીની હિંમત વધી ગઈ હતી. ગત 25 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે અઢી વાગ્યાના સુમારે આરોપીએ અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખીને પાર્કિંગમાં પડેલી વિશાલભાઈની બે હ્યુન્ડાઈ ઓરા કાર પર જવલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. આ બનાવમાં અંદાજે રૂપિયા 11 લાખની કિંમતની બંને કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી, જે સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે.
કારમાં લાગેલી વિકરાળ આગને ઓલવવા માટે જ્યારે બિલ્ડિંગના રહીશો એકઠા થયા ત્યારે આરોપી હાદિક પોપટે કોઈ પણ જાતના ડર વગર અરજદાર અને તેમના પરિવારને ગંદી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે અત્યારે તો માત્ર તારી ગાડીઓ સળગાવી છે, હજી તો તને અને તારા આખા પરિવારને પણ જીવતા સળગાવી દઈશ. આ અંગે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પરંતુ આરોપી પોલીસ દ્વારા જામીન પર મુક્ત થઈને બહાર આવી ગયો છે. આરોપી જામીન પર છૂટીને પુન: એ જ બિલ્ડિંગમાં રહેતો હોવાથી અને અવારનવાર રસ્તા પર હાજર રહેતો હોવાથી પીડિત પરિવાર પર ફરીથી પ્રાણઘાતક હુમલો થવાની કે ગંભીર હોનારત સર્જાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. સતત ભયના ઓથાર હેઠળ જીવતા વિશાલભાઈ હીરાણીએ કોર્ટમાં ત્વરિત અરજી કરી આરોપીના જામીન રદ કરાવવા, તેની સામે પાસા અથવા અન્ય કડક કાયદાકીય જોગવાઈઓ હેઠળ પગલાં લેવા તેમજ પરિવારને તાત્કાલિક ધોરણે યોગ્ય પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા માટે પોલીસ કમિશનર સમક્ષ અપીલ કરી છે.
