ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દીધું
રાજકોટ શહેરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે રાજકોટના વિવિધ પોલીસ મથકોના વિસ્તારમાંથી દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર વિદેશી દારૂના મોટા જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અદાલતની મંજૂરી અને નિયમાનુસારની માર્ગદર્શિકા મુજબ સોખડા ગામના મેદાન ખાતે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓ અંતર્ગત પકડાયેલી વિદેશી દારૂની બોટલો તથા કેન સહિત રૂ.3 કરોડના વિદેશી દારૂ ઉપર સોખડા ગામ નજીકના ખુલ્લા મેદાન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગના પ્રતિનિધિઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં દારૂબંધીની નીતિનું ચુસ્તપણે પાલન થાય અને અસામાજિક તત્વો પર લગામ કસી શકાય તે હેતુથી રાજકોટ પોલીસ વિભાગ દ્વારા આ ગંભીર પગલું ભરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, સંગ્રહ કે વેચાણ કરતી પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ આ જ રીતે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
