તમે જ્યાં ભૂગર્ભ ગટર કાઢો છો ત્યાં મારો રજવાડા વખતનો પ્લોટ છે તેવું કહી ફોનમાં જ બઘડાટી બોલાવી
મૂળ મહિકા ગામના વતની અને હાલ માવધ રેસીડન્સીમાં રહેતાં તાલુકા પંચાયતના મહિલા સભ્ય અને ઉપપ્રમુખને મહિકા ગામના શખ્સે ફોન કરી ભૂગર્ભગટરના કામ બાબતે બોલાચાલી કરી તમે જ્યાંથી ગટર કાઢો છો ત્યાં મારો પ્લોટ છે. હું કામ નહિ કરવા દઉં, અડધુ ગામ ખરાબામાં છે એ પાડી નાંખો પછી જ કામ કરવા દઈશ, તારા બાપનું નથી, કામ કરીશ તો ખોટા કેસમાં ફસાવી દઇશ કહી ધમકી આપતાં અને ગાળો ભાંડતા ચકચાર જાગી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે મુળ રાજકોટ ભાવનગર હાઇવે પરના મહિકા ગામના વતની અને હાલ માવધ રેસીડેન્સી શેરી ન. 6 બ્લોક નં. 30 લિજ્જત પાપડ પાસે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય અને ઉપપ્રમુખ વર્ષાબેન રસિકભાઈ ખુંટ (ઉ.વ.40)ની ફરિયાદ પરથી મહિકા ગામે રહેતાં સવજી ખીમજીભાઈ ગોહેલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.વર્ષાબેન ફરિયાદમાં જણાવ્યું છે હુ પરિવાર સાથે રહુ છું અને ખેતી કામ કરી ગુજરાન ચલાવુ છું.
તેમજ તાલુકા પંચાયતના સભ્ય અને ઉપપ્રમુખનું પદ ધરાવુ છું. તા. 28/9ના રાતે સવા દસેક વાગ્યે હું મારા હાલના સરનામે હતી ત્યારે માતા પતિને ફોનમાં મહિકા ગામના સવજીભાઈ ગોહેલનો ફોન આવ્યો હતો.
મારા પતિ તેમની સાથે મહિકા ગામના ભૂગર્ભ ગટરના સરકારી કામ બાબતે મારા પતિ શાંતીથી વાત કરતાં હતાં. આ દરમિયાન અચાનક સવજીભાઈ ઉગ્ર થઈ ગયા હતાં અને મારા પતિ સાથે બોલાચાલી કરવા માંડયા હતાં.
આથી મેં મારા પતિ પાસેથી ફોન લઈ લીધો હતો. આ પછી સવજીભાઈએ મને કહેલું કે તમે જ્યાંથી ગટર કાઢો છો ત્યાં મારો પ્લોટ છે, ત્યાં હું કંઈ કામ નહિ કરવા દઉં. આમ કહેતાં મેં કહેલું કે તમારો પ્લોટ હોય તો પ્રૂફ લેતા આવજો. જેથી તેણે તું મારી સાહેબ છે, તે મારે તને કાગળ બતાવવાના, મારો પ્લોટ રજવાડા સમયનો છે, તેના કોઈ કાગળો ન હોય, અને અડધુ ગામ ખરાબામાં છે તે પાડી નાંખો પછી હું કામ કરવા દઈશ.
સવજીભાઈએ આવુ કહેતાં મેં જણાવેલ કે કામ ત્યાં થશે જ અને કાલે જેસીબી ત્યાં કામે લગાવીશ. આ સાંભળી સવજીભાઈ વધુ ઉશ્કેરાઈ ગયા હતાં અને મને ભુંડી ગાળો બોલવા માંડયા હતાં. તેમજ તમે અહિં કામ કેમ કરો છો તે હું જોઈ લઈશ તેવી ગર્ભીત ધમકી આપી હતી. તેમજ આ તારા બાપનું નથી તે તું કામ કરીશ અને વધારે કંઈ હોશીયારી કરીશ તો તને ખોટા કેસમાં ફીટ કરાવી દઈશ, તારા જેવા ઘણા આવીને ગયા તેમ કહી ધમકી આપી હતી. સવજીભાઈ અવાર-નવાર ગામના સરપંચ અને તલાટી સાથે પણ માથાકુટ કર્યે રાખે છે. તેમ વધુમાં વર્ષાબેને જણાવતાં પીઆઈ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયાએ ગુનો દાખલ કરાવ્યો છે. વધુ તપાસ હેડકોન્સ. એ. જે. રાણાએ હાથ ધરી છે.
