રાજકોટમાં વૃદ્ધ મહિલા ડોકટરને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ગઠિયાએ 58.50 લાખ પડાવ્યા

ચાર દિવસથી ‘ડિજિટલ અરેસ્ટ’ વૃદ્ધાને સાયબર ટીમે આઝાદ કરી વધુ 21.50 લાખ લૂંટાતા બચાવ્યા

રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમ અને ડિજિટલ અરેસ્ટ જેવી ગંભીર ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને બચાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા તથા ઈ.ચા. મદદનીશ પોલીસ કમિશનર ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ માર્ગદર્શન હેઠળ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કામગીરી કરીને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા એક સિનિયર મહિલા ડોક્ટરને ઉગારી લીધા છે.
રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા રાજ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ મહિલા ડોક્ટર છેલ્લા ચાર દિવસથી સાયબર ઠગોની જાળમાં ફસાયેલા હતા. ઠગોએ તેમને ડિજિટલ અરેસ્ટમાં રાખીને અને કાયદાકીય કારવાઈનો ડર બતાવીને માનસિક રીતે અત્યંત ભયભીત કરી દીધા હતા. આ ડરના કારણે મહિલા ડોક્ટરે સાયબર ઠગોને કટકે-કટકે કુલ રૂ.58,50,000 ટ્રાન્સફર કરી દીધા હતા. તેમ છતાં ઠગો તેમની પાસેથી વધુ નાણાં પડાવવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. આ ઘટના અંગે સાયબર ક્રાઇમ પોલીસને માહિતી મળતા જ ઉપરી અધિકારીઓની સૂચનાથી સાયબર ક્રાઇમ પોલીસની એક ટીમ તાત્કાલિક ધોરણે મહિલા ડોક્ટરના ઘરે પહોંચી હતી. પોલીસે અત્યંત ભયભીત સ્થિતિમાં રહેલા વૃદ્ધ મહિલા ડોક્ટરનું કાઉન્સિલિંગ કરી તેમને ડિજિટલ અરેસ્ટના ભયમાંથી મુક્ત કરાવ્યા હતા.
આ સાથે પોલીસે વધુ રૂ.21,50,000 ટ્રાન્સફર થતાં અટકાવીને મોટી રકમનો બચાવ કર્યો હતો. પોલીસે ભોગ બનનાર મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટના ફ્રોડ વિશે સંપૂર્ણ માહિતી અને જાગૃતિ આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ