બસપોર્ટમાં સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું

શરીર સંબંધ માટે વસુલાતા બે હજારમાંથી 1000 યુવતીને આપતા મહિલા સંચાલક સહિત બે સામે ફરિયાદ

રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસ પોર્ટના બીજા માળે દુકાન નંબર 58 અને 59માં ચાલી રહેલા સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પામાં મસાજની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની ચોક્કસ બાતમી રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડાની યોજના બનાવી પંચોની હાજરીમાં એકડમી ગ્રાહકને સ્પામાં મોકલીને માહિતીની સચોટતા ચકાસી હતી. ડમી ગ્રાહકે ઈશારો કરતા જ પોલીસ કાફલાએ સ્પામાં અચાનક દરોડો પાડયો હતો. રેડ દરમિયાન સ્પાના કાઉન્ટર પરથી મહિલા સંચાલક નસીમબેન કાસમભાઈ કાદરી મળી આવ્યા હતા, જ્યારે તેમના પતિ અને સહ-સંચાલક કાસમભાઈ કાદરી સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પતિ-પત્ની સ્પામાં મસાજના નામે બહારથી યુવતીઓને બોલાવીને પ્રલોભનો આપી રાખતા હતા. ગ્રાહકો પાસેથી સ્પા મસાજના નામે કાઉન્ટર પર રૂ. 1000 અને શરીર સંબંધ માટે અલગથી રૂ. 2000 વસૂલવામાં આવતા હતા. તેમાંથી રૂ. 1000 સ્પા સંચાલક કમિશન પેટે રાખતા હતા અને બાકીના રૂ. 1000 ભોગ બનનાર યુવતીને આપવામાં આવતા હતા. દરોડા દરમિયાન સ્પાના રૂમમાંથી ડમી ગ્રાહક અને ભોગ બનનાર મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્પામાંથી અન્ય રાજ્યો અને વિસ્તારોમાંથી આવેલી યુવતીઓ પણ મળી આવી હતી, જેઓ પાસેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી.
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી કાઉન્ટરના ખાનામાંથી રોકડા રૂ. 23,800, ડમી ગ્રાહક પાસેથી મેળવેલા રૂ. 2000, રૂ. 5,000ની કિંમતનો કંપનીનો મોબાઈલ ફોન, નોટરાઈઝ્ડ ભાડા કરાર, સ્કેનર તથા ગર્ભનિરોધક સામગ્રી મળી કુલ રૂ. 30,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નસીમબેન કાદરી અને કાસમભાઈ કાદરી સામે અનૈતિક વ્યાપાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ પી.એન. પઢિયાર, પો.સ.ઈ. એસ.પી.ચૌહાણ, એ.એસ.આઈ. અજયકુમાર શુકલા, ધર્મેન્દ્રસિંહ જાડે જ, સેલી મ ભાઈ મકરાણી, જીગ્રેશભાઈ મારૂં મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, સુર્યકાંતભાઈ જાદવ, શાંતુબેન મુળીયા, ભુમિકાબેન ઠાકરએ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ