રાજકોટમાં રિક્ષાચાલકને ફરિયાદ પાછી ખેંચી લેવા છરીની અણીને એક શખ્સે આપી ધમકી

વાહન સળગાવી નાખવા મુદ્દે યુવાને ફરિયાદ નોંધાવી’તી

રાજકોટ શહેરના નવલનગર શેરી નંબર 09ના ખૂણે, મુરલીધર ચોક પાસે જૂની અદાવત રાખી એક શખ્સ દ્વારા ફરિયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગાત્રાળ કૃપા, મુરલીધર ચોક પાસે રહેતા 39 વર્ષીય રિક્ષાચાલક સામતભાઈ કાળુભાઈ સિંધવે આરોપી યશ ઉર્ફે ઠોંડી રસિકભાઈ બકરાણીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી યશ અગાઉ તેમના વાહનો સળગાવી દેવાના ગુનામાં સંડોવાયેલો હતો. તે બાબતે નોંધાવેલી અગાઉની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આરોપી મનમાં અદાવત રાખી ફરિયાદીને ધમકાવી રહ્યો હતો.
બનાવની વિગત મુજબ, તારીખ 29 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારના આશરે સવા સાતેક વાગ્યાના સુમારે સામતભાઈ પોતાના પુત્રને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. તે સમયે મુરલીધર ચોક પહોંચતા જ પુત્રએ ભુલથી સ્કૂલ ડ્રેસ પહેરી લીધો હોવાનું જણાતા, તે કપડાં બદલાવવા માટે નજીકમાં જ આવેલ ઘરે પરત ગયો હતો. આ દરમિયાન સામતભાઈ ચોકમાં ઉભા હતા ત્યારે આરોપી યશ ઉર્ફે ઠોંડી એક્ટિવા લઈને ત્યાંથી નીકળ્યો હતો. તેણે સામતભાઈને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. સામતભાઈએ ગાળો બોલવાની ના પાડતા જ ઉશ્કેરાયેલા યશે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી બતાવી હતી અને અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. જો ફરિયાદ પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનાથી ગભરાઈ ગયેલા સામતભાઈ તુરંત ઘરે પહોંચ્યા હતા અને રિક્ષામાં બેઠેલા પોતાના ભાઈ ભરતભાઈ સિંધવને સમગ્ર બનાવની જાણ કરી હતી. ત્યારબાદ બંને ભાઈઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ આરોપી યશ પોતાનું એક્ટિવા લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ મામલે ફરિયાદી સામતભાઈએ માલવિયાનગર પોલીસ મથકે પહોંચી આપવીતી જણાવતા પોલીસે આરોપી યશ ઉર્ફે ઠોંડી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 352 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ