ફરિયાદના આધારે રિક્ષાચાલકની શોધખોળ
મુળ રાજસ્થાનનો યુવાન માધાપર ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડીએ જવા જે રિક્ષામાં બેઠો તેના ચાલકે રિક્ષા મોરબી રોડ પર લઈ જઈ બાદમાં આ યુવાનને ગાળો દઇ ઢીકાપાટુ મારી તેનો મોબાઈલ ફોન અને રોકડ લૂંટી લેતાં અને ભાગી જતાં યુવાને પોલીસને જાણ કરી છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મુળ રાજ સ્થાન બાડમેરના વિશાલાઆગોર ગામે રહેતાં અને ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતાં તરૂણકુમાર ઉમેદારામ પન્નુ (ઉ.વ.21)ની ફરિયાદ પરથી અજાણ્યા રિક્ષાચાલક વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તરુણકુમાર પરિવારમાં દાદીમા, પિતા, માતા, બહેનો સાથે રહે છે અને ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું છે કે 279ના રોજ હું રાજસ્થાનથી ટ્રેકટરનું ડ્રાઈવીંગ કરવા મારા શેઠ હરિભાઈ સોલંકીએ ધ્રોલ ખાતે બોલાવતાં આઠેક વાગ્યાના અરસામા રાજસ્થાનથી ધ્રોલ આવેલો હતો અને ત્યા પહોંચતા મારા શેઠ હરીભાઈને ફોન કરતા તેમણે મને જણાવેલ કે હવે ધ્રોલ કામ નથી. તમે ગોંડલ રૂપાવટી ખાતે આવી જાવ. આથી હું ધ્રોલથી ઈકો ગાડીમાં માધાપર ચોકડી ખાતે સવારે સવા દશેક વાગ્યે પહોચેલો અને માધાપર ચોકડી ખાતે ઉતરીને હું તરત જ એક રીક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવવા રવાના થયો હતો. ત્યારે રીક્ષામાં મારી સાથે સીટ પર અન્ય એક પેસેન્જર પણ હતાં. અમે બેડી ચોકડી બાજુ આવતા હતા ત્યારે બેડી ચોકડી પહેલા આવેલ પેટ્રોલ પંપે તે પેસેન્જર ઉતરી ગયેલા હતા અને બાદમાં રીક્ષા ડ્રાઈવરે રીક્ષા ગ્રીન લેન્ડ ચોકડી જવાના રસ્તે મોરબી રોડ પર લીધેલી અને ત્યાંથી મોરબી રોડ જકાતનાકાથી અંદર જુના મોરબી રોડ બાજુ રીક્ષા લઈને ગીરીરાજ પાર્ટી પ્લોટ સામે આવેલા ક્રાંતી માનવ સેવા વાળા રોડ પર રીક્ષા જવા દીધેલી હતી. આ પછી રૈયાણી ડેન્ટલ એન્ડ સ્ક્રીન કલીનીક સામે રોડ પર સવારે પોણા અગયારેક વાગ્યાના અરસામાં રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખેલી હતી અને મને નીચે ઉતારી ગાળો આપવા લાગ્યો હતો. મેં ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયેલો અને ઢીકાપાટુ મારવા માંડયો હતો. બાદ રીક્ષા ચાલકે મારો વીવો મોબાઈલ ફોન ઝૂંટવી લઇ મારા પર્સમાંથી રોકડા 8500 પણ કાઢી લીધા હતાં. આ પછી રીક્ષા ચાલક મારો મોબાઈલ ફોન તથા રોકડા રૂપીયા લઈને ત્યાંથી નાશી ગયેલો હતો. ત્યાર બાદ હું ચાલીને બેડી ચોકડી ખાતે ગયેલો અને ત્યાંથી કોઈ અજાણ્યા વ્યકિત પાસેથી મોબાઈલ ફોન લઈને મારા કાકાના દિકરા દિનેશભાઈને રાજસ્થાન ખાતે ફોન કરી બનાવની જાણ કરી હતી.
