વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક વહીવટી, હોસ્ટેલ કે અન્ય પ્રકારનું માનસિક પ્રેસર તો નથી ને ? તે મામલે તપાસ કરવા માંગ
રાજકોટની મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં ટુંકા ગાળામાં બે વિદ્યાર્થીઓના આપઘાતની અત્યંત ગંભીર અને દુ:ખદ ઘટનાઓ સામે આવી છે. જેમાં 19 સપ્ટેમ્બરે યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ 25 સપ્ટેમ્બરે હેમંત ગંધમ નામના વિદ્યાર્થીનું યુનિવર્સિટી કેમ્પસમાં છઠ્ઠા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. આ સતત બનેલી ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે અગ્રણી વિદ્યાર્થી સંગઠનો એબીવીપી અને એનએસયુઆઇ દ્વારા આ ઘોર લાપરવાહી સામે યુનિવર્સિટી પ્રસાસન સામે આક્રોસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે એનએસયુઆઇ દ્વારા આ બાબતે કલેકટર સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે જયારે એબીવીપી દ્વારા મોટી સંખ્યામાં મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા એનએસયુઆઈ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવાયુ હતું કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવે છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલ તથા સમગ્ર કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂૂરી સેફ્ટી ગ્રિલ, રેલિંગ, બાલ્કની અને ઊંચાઈવાળા વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા પૂરતી છે કે નહીં તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે સાથે જ હોસ્ટેલ અને કેમ્પસમાં કાર્યરત સિક્યોરિટી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, પ્રવેશ-બહારની વ્યવસ્થા તથા સુરક્ષા કર્મચારીઓની ફરજ અને જવાબદારી અંગે પણ વહીવટી તપાસ કરવામાં આવે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક, વહીવટી, હોસ્ટેલ અથવા અન્ય કોઈ પ્રકારનું અયોગ્ય દબાણ કે માનસિક પ્રેશર તો નથી ને, તે અંગે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સંબંધિત સ્ટાફના નિવેદનો લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી એનએસયુઆઈની માંગ છે.
