6 વર્ષીય માસુમના મૃત્યુથી શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ
ગોંડલ તાલુકાના ભુણાવા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માસી સાથે ગયેલા એક માસૂમ બાળકનું રમત-રમતમાં પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ બિહારનો વતની અને હાલ ગોંડલના ભુણાવા ગામના શેમલા પરા વિસ્તારમાં ચિરાગભાઈના મકાનમાં રહેતો શ્રમિક પરિવાર છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. 6 વર્ષીય મૃતક બાળક આદિત્ય ની માતા આજથી ચારેક દિવસ પહેલાં જ પોતાના વતન બિહાર ગયા હતા. ઘટનાના દિવસે સવારે આદિત્યના પિતા રાબેતા મુજબ મજૂરી કામે જવા નીકળી ગયા હતા અને બાળકો ઘરે હતા.
ઘરમાં માતાની ગેરહાજરી હોવાથી આદિત્યના માસી કપડાં ધોવા માટે ગયા હતા, ત્યારે આ માસૂમ બાળક પણ તેમની સાથે ગયો હતો. માસી જ્યારે કપડાં ધોવામાં વ્યસ્ત હતા, ત્યારે આદિત્ય ત્યાં આસપાસમાં રમી રહ્યો હતો. રમતા-રમતા અચાનક તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જવાના કારણે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટના બાદ તેના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ગોઝારી
ઘટનાની જાણ થતાં જ મજૂરીએ ગયેલા પિતા અને વતન ગયેલી માતા પર આભ તૂટી પડ્યું હતું. બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
