હજુ બે નાસ્તા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ તપાસનો ધમધમાટ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) બી.બી.બસીયા દ્વારા શહેરમાં મિલકત સંબંધિત ગુન્હાઓ અટકાવવા અને અણઉકેલાયેલ ઘરફોડ ચોરીના બનાવો શોધી કાઢવા માટે આપેલી ખાસ સૂચનાઓ અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલીંગમાં હતી.
આ દરમિયાન રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલ અલંગ હાઉસની બાજુમાં ’મનીષ કાર્ગો’ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસના તાળા તોડી રોકડ રકમની ચોરી કરવાનો બનાવ બન્યો હતો. આ ચોરી અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર તથા સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.ડી. ડોડીયા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે જામનગર રોડ પર આવેલ રેલનગર અંડરબ્રિજ પાસેથી ગોપાલભાઇ છગનભાઇ બોળીયા (રહે. ગીતાંજલી સોસાયટી, ગોકુળધામ પાસે, રાજકોટ)ને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી ઘરફોડ ચોરીમાં મેળવેલ રોકડા રૂ. 70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓ અંકિત મહાદેવભાઇ વિકાણી તથા ચંદુ ઉર્ફે અદુડો મનજીભાઈ સાડમીયા (બંને રહે. ગોંડલ ચોકડી, રાજકોટ) ને પકડવાના બાકી હોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી ગોપાલ બોળીયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 269 મુજબ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ 65એએ મુજબ ગુનાઓ નોંધાયેલા છે.
