રોડ ક્રોસ કરી સબંધીને મળવા જતા આધેડને કાળ ખેંચી ગયો : પરિવારમાં કલ્પાંત
મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ પડધરીના અમરેલી ખાતે કંપનીમાં કામ કરતા આધેડ મળવા આવેલા સબંધી પાસે જતાં હતા ત્યારે રસ્તો ઓળંગતી વખતે અજાણયા કાર ચાલકે આધેડને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના અમરેલી ગામે કંપનીમાં કામ કરતા મંગળપ્રસાદ સચીનરામ ચૌહાણ નામના 57 વર્ષના આધેડ સાંજના પાંચેક વાગ્યાના અરસામા કંપની સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે મંગળપ્રસાદ ચૌહાણને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ મુળ ઉતરપ્રદેશના વતની અને ચાર ભાઇમાં મોટા હતા. મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના સબંધી મળવા માટે આવ્યા હતા. તે દરમિયાન મંગળપ્રસાદ રોડક્રોસ કરીને તેમની પાસે જતાં હતા ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને ઝડપી લેતા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
