રાજકોટમાં કામધંધો નહી મળતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

અન્ય ઘટનામાં પત્ની રિસામણે ચાલી જતા એસિડ પી લેનાર પતિને સારવારમાં ખસેડાયો

શહેરમાં સોની બજારમાં આવેલા દરબારગઢ ચોકમાં લાલજી એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ મુકેશભાઈ માંડલીયા નામનો 30 વર્ષનો યુવાન સોની બજારમાં હતો ત્યારે પોતાની જાતે મચ્છર મારવાનો સ્પ્રે મોઢા ઉપર છાંટી દીધો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પાર્થ માંડલીયા બે ભાઈ એક બહેન બહેનમાં નાનો અને અપરિણીત છે પાર્થ માંડલિયા સોની કામ કરે છે પરંતુ હાલ કામ નહીં મળતા આર્થિક તંગીથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર સામે વછરાજનગરમાં રહેતા ભરત ગોવિંદભાઈ સોલંકી નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં રણુજા મંદિર પાસે આવેલા કનૈયા ચોકમાં હતો ત્યારે એસિડ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભરત સોલંકી ત્રણ ભાઈમાં મોટો છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે ભરત સોલંકીની પત્ની દક્ષાબેન છેલ્લા દોઢ મહિનાથી ભુજ માવતરના ઘરે રિસામણે ચાલી ગઈ છે. પત્ની રિસામણે ચાલી જતા ભરત સોલંકીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ