રાજકોટમાં બકરીના બચ્ચા સાથે લાપતા થયેલા બાળકો શાપરમાંથી મળ્યા

જેતપુર નાનીના ઘરે જવા નિકળેલા બંને બાળકોને સોશ્યલ મિડિયાના આધારે ગૌભક્તે ઓળખી લીધા

રાજકોટના રૈયા ગામમાં રહેતા અને બે દિવસ પહેલાં પોતાના ઘરેથી એક બકરીનું બચ્ચું લઈને અચાનક ગુમ થઈ ગયેલા બે સગા ભાઈઓ શાપર નજીકથી હેમખેમ મળી આવતાં પરિવારે ભારે રાહતનો શ્ર્વાસ લીધો છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ત્વરિત અને સરાહનીય કામગીરી દાખવીને બંને બાળકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું. બાળકોના પિતા દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે અપહરણનો ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી હતી, જેના સફળ પરિણામે બંને માસુમ બાળકો સહીસલામત મળી આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રૈયા ગામમાં રહેતા રવિભાઈ વિકાણીના બે પુત્રો સુરેશ (ઉંમર વર્ષ 10) અને દેવરાજ (ઉંમર વર્ષ 8) ગત તારીખ 29ના રોજ ઘરેથી બકરીનું બચ્ચું સાથે લઈને અચાનક નીકળી ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.કે. ગોહિલ અને પીએસઆઈ આઈ.એ. બેલીમની આગેવાનીમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી હાથ ધરેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને ભાઈઓ જેતપુર ખાતે રહેતા તેમના નાનીના ઘરે જવા માટે જ નીકળ્યા હતા. આ બંને ભાઈઓ વગર બકરીનું બચ્ચું રહી શકતું ન હોવાથી તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે તેને પણ સાથે લઈ ગયા હતા. આખો દિવસ રાજકોટ શહેરમાં પગપાળા રખડ્યા બાદ બંને બાળકો જેતપુર તરફ જવા નીકળ્યા હતા અને ચાલતાં ચાલતાં શાપર સુધી પહોંચી ગયા હતા. દરમિયાન, સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થયાના સમાચાર અને તસવીરો વાયરલ થતાં શાપરના ગૌભક્ત ભરતભાઈએ બંને બાળકોને ઓળખી કાઢ્યા હતા. તેમણે તુરંત જ બંને ભાઈઓને પોતાની પાસે બેસાડી, પ્રેમથી નાસ્તો કરાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ કામગીરીમાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ વાવેચા, મુન્નાભાઈ ઢાપા અને કીર્તેશભાઈ જરીયા પણ સાથે રહ્યા હતા. પોલીસે ગુમ થયેલા બાળકોને તાકીદે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતાં પરિવારે પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ