સાત શખ્સો પાસેથી 6 લાખનો મુદ્ામાલ જપ્ત કરતી પોલીસ
150 ફુટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ પાછળ પાર્ક કરેલી ગાડીમાંથી સાડા ત્રણ લાખનો કોપર સ્ક્રેપ ચોરાઈ ગયો હતો. આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી સગીર સહિતની ટોળકીને પકડી ચોરેલો મુદામાલ તેમજ એક રીક્ષા અને ત્રણ સ્કૂટર કબજે કર્યા છે. જાણવા મળ્યા મુજબ મિલકત સંબંધી ગુનાઓ શોધવા અંગે આપેલી સૂચના અનુસાર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે આ સફળ કામગીરી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર, મેઘાણીના નેતળત્વમાં સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. બી.આર. ભરવાડ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કોન્સ. જયપાલસિંહ સરવૈયા, બળભદ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, તથા કરણભાઈ જાદવને મળેલી ચોક્કસ બાતમીના આધારે પરસાણા ચોકડીથી કણકોટ તરફ જતા રોડ પર આવેલ વૃધી વર્લ્ડ હોટેલ સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી સાત શખ્સોને ઓટો રિક્ષા અને ત્રણ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ નજીક કિસ્ટલ કોર્નર બિલ્ડીંગ પાછળ પોકિંગમાં પડેલી અશોક લેલેન્ડ દોસ્ત ગાડીમાંથી લુઝ કોપર સ્ક્રેપની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. રાજકોટના બાપુનગર સ્લમ ક્વાટર્સમાં રહેતા અફઝલભાઈ નાસીરભાઈ શેખ અને અશરફભાઈ ઉર્ફે ભૂરો નાસીરભાઈ શેખ, દેવપરા મેઇન રોડ પર રહેતા શકીલ સતારભાઈ સપ્પા (મૂળ મેગણી), આજી જી.આઈ.ડી.સી. પાસે રહેતા હમજા રફીકભાઈ સૈયદ (મૂળ અલીગઢ, યુ.પી.), જંગલેશ્ર્વર એકતા કોલોનીમાં રહેતા અનસ મજ્જાબાન શેખ (મૂળ લોનાવાદરગા, યુ.પી.), દેવપરા ભવાની ચોક વિસ્તારના કરણભાઈ અરવિંદભાઈ કુંભલ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર સહિત કુલ સાત આરોપીઓની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અફઝલ શેખ, અશરફ શેખ અને હમજા સૈયદ ભૂતકાળમાં પણ આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન અને જુગાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
