પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ : કડક અમલવારીની માંગ
રાજકોટમાં માધાપર ચોકડી પાસે એક અત્યંત કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક 28 વર્ષીય બાઈક ચાલક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. માધાપર ચોકડી નજીક આવેલા મનહરપુર ગામમાં રહેતો સુનીલ બટુકભાઈ સીપરીયા (ઉં.વ.28) આજે વ્હેલી સવારે પોતાનું કામ પતાવીને બાઈક પર પરત ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન માધાપર ચોકડી નજીક આવેલા બસ સ્ટેશનની સામે સાયકલ ટ્રેક પરથી વળાંક વળતી વખતે અચાનક તેણે બાઈકના હેન્ડલ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતાની સાથે જ તેનું બાઈક રોડની સાઈડમાં આવેલા એક વૃક્ષ સાથે જોરદાર રીતે ભટકાયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં સુનીલને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
અકસ્માતને પગલે ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત રાહદારીએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના દ્વારા ગંભીર રીતે ઘવાયેલા સુનીલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ત્યાંના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતક સુનીલ બે ભાઈઓમાં મોટો હતો અને તેના અકાળ અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગેની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલ પહોંચીને જરૂૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટમાં માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના સાયકલ ટ્રેક પર અકસ્માતો નિવારવા અને સાયકલ સવારોની સુરક્ષા માટે વાહનો પાર્ક ન કરવા અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા અગાઉ જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, છતાં પણ આ ટ્રેક પર નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને અયોધ્યા ચોકથી માધાપર ચોક સુધીના સાયકલ ટ્રેક પર કાર સહિતના મોટા વાહનો બેફામ અને પૂરઝડપે દોડતા હોય છે, જેના કારણે નિર્દોષ વાહનચાલકો અને સાયકલ સવારોના જીવ જોખમમાં મુકાય છે. સાયકલ ટ્રેક પર થતા ગેરકાયદેસર પાર્કિંગ અને પૂરઝડપે વાહન ચલાવતા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કડક ડ્રાઈવ શરૂૂ કરીને કાયદાકીય કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉગ્ર બની છે જેથી ભવિષ્યમાં આવા અન્ય કોઈ નિર્દોષ યુવાનનો જીવ ન જાય.
