સાયબર ફ્રોડ અંગે અજાણ્યા શખ્સ સામે નોંધાવી ફરિયાદ
આજના ડિજિટલ યુગમાં સાયબર ગઠીયાઓ લોકોના ભોળપણનો લાભ લઈને અવનવા કિમિયા દ્વારા નાગરિકોની કમાણી લૂંટી રહ્યા છે. હાલમાં જ લગ્નની કંકોત્રીના નામે વાયરસયુક્ત એપીકે ફાઇલ મોકલી બેંક ખાતામાંથી નાણાં સેરવી લેતી એક નવી સાયબર ગેંગ સક્રિય થઈ છે. આવી જ એક ઘટનામાં મોટી પરબડી ગામે રહેતા અને ખેડૂત સાથે બની હતી અને તે સાયબર ફ્રોડનો ભોગ બન્યા મિત્રના મોબાઈલ નંબર માંથી આવેલ લગ્નનું આમંત્રણની એપીકે ફાઈલ ખોલતા રૂૂ.70 હજાર ઉપડી ગયા હતા. આ મામલે તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ, 40 વર્ષીય જીતેન્દ્રભાઇ રમેશભાઇ બાબરીયાને તેમના મિત્ર કીરીટ ભાઇના મોબાઇલ નંબર પરથી વોટ્સએપ અથવા મેસેજ મારફતે લગ્નની કંકોત્રીની એક એપીકે ફાઇલ આવી હતી. જીતેન્દ્રભાઇને લાગ્યું કે તેમના મિત્રે ડિજિટલ કલરફુલ કંકોત્રી મોકલી છે, આથી તેમણે સહજપણે આ ફાઇલ ડાઉનલોડ કરીને ઓપન કરી હતી. પરંતુ, આ ફાઇલ ખોલતાની સાથે જ તેમનો મોબાઇલ હેંગ થવા લાગ્યો હતો અને ડિસ્પ્લે ચોંટી ગઈ હતી. હકીકતમાં આ ફાઇલ એક મલેશિયસ સોફ્ટવેર હતો જેના દ્વારા અજાણ્યા સાયબર હેકરે ફરિયાદીના ફોનનો તમામ એક્સેસ મેળવી લીધો હતો. ફોન હેક થઇ ગયાના થોડા જ સમયમાં, જીતેન્દ્રભાઇ રમેશભાઇ બાબરીયાના બેંક ઓફ બરોડાના માંથી રૂૂ. 72,000 ની માતબર રકમનું અનધિકૃત ઓનલાઇન ટ્રાન્જેક્શન થઈ ગયું હોવાનો મેસેજ મળ્યો હતો. કીરીટભાઇનો નંબર પણ હેક કરીને આ ફાઇલ આગળ મોકલવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં જીતેન્દ્રભાઇએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસની નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, વોટ્સએપ કે મેસેજમાં મળતી અજાણ્યા સ્ત્રોતની એપીકે ફાઇલો ક્યારેય ડાઉનલોડ કરવી નહીં. આવી ફાઇલો ફોનમાં ડાઉનલોડ થતાં જ હેકર્સ તમારા બેંકિંગ ડેટા અને ઓટીપી ચોરી લે છે. કોઈ જાણીતા મિત્રના નંબરથી પણ જો આવી ફાઇલ આવે તો પહેલાં ફોન કરીને ખાતરી કરી લેવી હિતાવહ છે. સાયબર ફ્રોડનો ભોગ બનતાં જ 1930 સાયબર હેલ્પલાઇન પર તુરંત જાણ કરવી.
