ફરિયાદ કરીશ તો તારુ મર્ડર કરી નાંખીશ કહી ધમકી દીધી : યુનિવર્સીટી પોલીસમાં ગુનો
રાજકોટના રૈયા વણકરવાસમાં એક યુવાનના ઘર પાસે ફટાકડા ફોડતો ફોડતો પાડોશી શખ્સ ગાળો દેતો હોઇ યુવાને પોલીસ બોલાવતાં પોલીસની હાજરીમાં પણ તેણે ધમાલ મચાવી ઇંટ, લાદીના ટુકડાના ઘા કરી ઇજા પહોંચાડી હતી અને જો પોલીસ ફરિયાદ કરીશ તો તારુ મર્ડર કરી નાંખીશ તેવી ધમકી આપી દીધી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ગામ જુના વણકરવાસમાં રહેતાં હસમુખભાઇ ગોવિંદભાઇ મેરીયા નામના યુવાનની ફરિયાદ પરથી રૈયાના ભાવેશ રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
હસમુખભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગુરૂવારે રાતે પરિવારના સભ્યો ઘરે હતાં ત્યારે પાડોશી ભાવેશ રાઠોડ શેરીમાં અમારા ફળીયા પાસે ફટાકડા ફોડતો ફોડતો અમને સંબોધીને જેમફાવે તેમ ગાળો બોલતા હતો. જેથી મેં 112માં ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી. જેથી હું અને મારો નાનો ભાઇ ભાવેશ મેરિયા બંને બહાર નીકળી પોલીસ વેન પાસે ગયા હતાં. આ વખતે ભાવેશ રાઠોડે એકદમ ઉશ્કેરાઇ જઇ મારા ભાઇ ભાવેશને ગાળો દઇ ઝપાઝપી કરી લાફા, ઢીંકાપાટુ મારી લીધા હતાં. મેં મારા ભાઇને વધુ મારથી બચાવતાં ભાવેશે ત્યાં પડેલો લાકડાનો ધોકો ઉપાડી મારા ભાઇને ખભા પર મારી દીધો હતો. તેમજ દેકારો કરી કહ્યું હતું કે-પોલીસમાં ફરિયાદ કરીશ તો હું તારું મર્ડર કરી નાંખીશ. આ પછી હું અને મારો ભાઇ મારથી બચવા ઘરમાં જતાં રહેતાં ઇંટોના અને લાદીના કટકાના છુટા ઘા કર્યા હતાં. જેમાં એક ઇંટ મને ડાબા ખભે લાગી ગઇ હતી. તેમજ લાદીનો કટકો પગની પીંડીએ લાગી ગયો હતો. આ પછી હું અને મારો ભાઇ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતાં અને ફરિયાદ નોંધાવી હતી યુનિવર્સીટી પોલીસ મથકના એએસઆઇ જે. એચ. જાડેજાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
