ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ સ્વચ્છતા અને મુસાફર સુવિધાઓ અંગે મેળવ્યો ફીડબેક
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર 2026ના રોજ ડિવિઝનના તમામ 53 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય મુસાફરો સાથે સીધો સંવાદ સાધીને રેલવે સેવાઓ, સ્ટેશનો તેમજ ટ્રેનોમાં સ્વચ્છતા અને ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ સંબંધિત તેમના સૂચનો અને અનુભવો મેળવવાનો હતો.
રાજકોટ રેલવે સ્ટેશન પર ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ મુસાફરો સાથે સંવાદ સાધી સ્ટેશનની સ્વચ્છતા વ્યવસ્થા તેમજ ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ અંગે ફીડબેક લીધો હતો. આ દરમિયાન મુસાફરોના અનુભવો અને સૂચનો નોંધવાની સાથે તેમના પ્રશંસાપત્રો પણ મેળવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, રાજકોટ ડિવિઝનની વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ટિકિટ ચેકિંગ સ્ટાફ (ઝઝઊ) દ્વારા પણ સ્વચ્છતા અંગે ફીડબેક લેવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા ટ્રેનોમાં સ્વચ્છતા વ્યવસ્થા અંગે મુસાફરોના અનુભવો, સૂચનો અને અપેક્ષાઓની માહિતી મેળવવામાં આવી હતી, જેથી સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવી શકાય.
મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે રાજકોટ સ્ટેશન પર કાર્મિક વિભાગ દ્વારા શેરી નાટક (નુક્કડ નાટક)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી મુસાફરોને રેલવે પરિસરને સ્વચ્છ રાખવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ જાગૃતિ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કાર્મિક અધિકારી અમૃત સોલંકી સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશકુમાર સિંહ સાથે વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સ્ટેશન અધિક્ષકો તેમજ કોમર્શિયલ ઇન્સ્પેક્ટરોએ ભક્તિનગર, જામનગર, હાપા, ખંભાળિયા, દ્વારકા, ઓખા, વાંકાનેર, મોરબી, થાન અને સુરેન્દ્રનગર સહિતના વિવિધ સ્ટેશનો પર મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની સમસ્યાઓ, અપેક્ષાઓ તેમજ સૂચનોની વિગતો મેળવી હતી. આ સાથે જ ડિવિઝનના તમામ 53 રેલવે સ્ટેશનો પર વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
