રાજકોટ રહેતી બહેને પાંચ શખ્સો સામે પ્ર.નગર પોલીસમાં નોંધાવી ફરિયાદ
રાજકોટમાં જમીન પચાવી પાડવા અને બોગસ દસ્તાવેજ બનાવવાની વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. કેનેડા સ્થાયી થયેલા એક યુવકના નામે આવેલી કિંમતી વંશ પરંપરાગત જમીનનો ખોટો દસ્તાવેજ બનાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા અસલી માલિકના બદલે એક ડમી માણસ ઊભો કરી સબ-રજીસ્ટ્રાર કચેરીમાં ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ કરી કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે યુવકની બહેને પાંચ શખ્સો સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે પામ સિટીમાં રહેતા હેમાબેન પ્રજાપતિએ મનહર પ્લોટમાં ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ, રેલનગરના જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, વાંકાનેરના ગુંદાખડાના રાહુલ મુકેશભાઈ ચાવડા, રાજકોટના દીપ ગોરધનભાઈ પરસાણીયા અને એક અજાણ્યા સામે પ્રનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકોટના જયરાજ પ્લોટ શેરી નં.4/11માં સિટી સર્વે નં.1142 પૈકીની 130.35 ચોરસ મીટર જમીન તેમના દાદા દેવજીભાઈ લક્ષ્મણભાઈ સાંકરીયાની માલિકીની હતી. દાદાના અવસાન બાદ આ જમીન તેમના પૌત્ર અને હેમાબેનના સગાભાઈ વિશાલભાઈ (જે હાલ કેનેડા રહે છે) ના નામે વસીયતનામા મુજબ હતી. વિશાલભાઈ સગીર વયના હોવાથી પિતા હરીશભાઈએ ગાર્ડિયનશીપ મેળવી હતી. જે બાદ વિશાલભાઈ 2023થી કેનેડા ખાતે પ્રાઇવેટ નોકરી માટે સ્થાયી થયા હતા અને ત્યારથી ભારત આવ્યા ન હતા. આ બાબતનો લાભ લઈને આ શખ્સોએ તેમની ગેરહાજરીમાં મોટું કાવતરું રચ્યું હતું ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ અને જયરાજસિંહ વિજયસિંહ જાડેજા નામના શખ્સોએ કેનેડા રહેતા જમીનમાલિક વિશાલભાઈના બદલે અન્ય કોઈ અજાણ્યા શખ્સને ડમી તરીકે ઊભો કર્યો હતો. આ ડમી શખ્સને અસલી વિશાલાભાઈ તરીકે ઓળખાવવા માટે રાહુલ મુકેશભાઈ ચાવડા અને દીપ ગોરધનભાઈ પરસાણીયાએ ખોટી ઓળખ આપી સાક્ષીઓ બન્યા હતા. એટલું જ નહીં, ખોટા સોગંદનામા અને દસ્તાવેજો બનાવી સબ-રજીસ્ટ્રાર કચેરી-1માં રજૂ કરી ઉત્તમસિંહ રાઠોડ અને જયરાજસિંહ જાડેજાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો.આ મામલે આર્થિક અપરાધ શાખા મારફતે કરાયેલી પ્રાથમિક તપાસમાં વીડિયો રેકોર્ડિંગ અને સબ-રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન બોગસ પક્ષકારો અને ડમી વ્યક્તિ ઊભી કરી હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું છે. આ જમીન પાછળથી કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ ગઢિયા તથા ભરત નરેન્દ્રભાઈ ગઢિયાના નામે વહેંચી નાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ એમ ડી મકવાણાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
