હાર ભાળી ગયેલ કોંગ્રેસ વિદેશી રાજનીતિનો હાથો બનીને દેશને ભડકાવે છે : જગદીશ વિશ્ર્વકર્મા

SIR સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે રાજકોટમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા યોજાઈ

કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા એસઆઈઆર (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત રાજકોટમાં ભાજપે પદયાત્રા યોજી હતી.
રાજકોટમાં બહુમાળી ભવન પાસેની સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થયેલી પદયાત્રા ત્રિકોણબાગે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના સહ પ્રભારી અજય મહાવર તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, લોકતંત્ર, ચૂંટણીપંચ અને ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દેશની જનતા ક્યારેય કોંગ્રેસ સાથે રહી નથી. 56 કરતા પણ વધારે વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી ચૂકી છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ ચૂંટણી હારી ચૂકી છે. હાર પામેલી કોંગ્રેસ પાસે હવે શક્તિ નથી અને તે વારંવાર દેશના યુવાનોને ભડકાવવાનું કામ કરી રહી છે.
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ’આત્મનિર્ભર ભારત’ અને ’વિકસિત ભારત’ બનાવવાની દિશામાં દેશને આગળ લઈ જઈ રહ્યા છે. દેશના યુવાન, ખેડૂત, માતાઓ અને બહેનોને સન્માન આપવાનું કામ વડાપ્રધાન કરી રહ્યા છે. હાર પામેલી કોંગ્રેસ વિદેશી રાજનીતિનો હાથ બનીને દેશને ભડકાવવાનું અને અર્થતંત્રને ખોરવવાનું કામ કરી રહી છે, જેને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે.
આ સભા અને રેલીમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, માજી સાંસદ રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મંત્રી જીતુભાઈ વાઘાણી, કાંતિભાઈ અમૃતિયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, તેમજ રાજકોટ મેયર નેહલ શુક્લ ભાજપ કાર્યકરો અને લોકો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતાં.

ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસનું હલ્લાબોલ
સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે રાજકોટમાં ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને હલ્લાબોલ કર્યુ હતું. શહેર કોંગ્રેસ કાર્યાલયને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ભાજપ હટાવો દેશ બચાવોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે બેરિકેડિંગ કરીને નેતાઓને કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ દર્શાવવા અને ગુલાબ આપવા કેટલાક કાર્યકરો પોલીસવાન પર ચડી ગયા હતાં. પોલીસે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટક કરી હતી.

રિલેટેડ ન્યૂઝ