સાંસ્કૃતિક કોર્નરમાં કલાકારોની કલા પ્રસ્તુતિઓએ જમાવ્યો રંગ, સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે ઉમટ્યા નાગરિકો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં તેમજ વર્ષ 2047 સુધીમાં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને વધુ વેગ આપવા માટે સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. તા.23 ઓક્ટોબરથી તા.3 નવેમ્બર, 2026 સુધી ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજકોટ ખાતે યોજાઈ રહેલા આ મેળામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા છે.
સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સ્થાનિક વેપારીઓ, કારીગરો, નાના ઉદ્યોગસાહસિકો અને સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ મેળામાં વિવિધ પ્રકારની સ્વદેશી ચીજવસ્તુઓ અને ઉત્પાદનો એક જ સ્થળે ઉપલબ્ધ બન્યાં છે. નાગરિકો દ્વારા મેળાની મુલાકાત લઈ વિવિધ ઉત્પાદનોની ખરીદી કરવામાં આવી રહી છે, જેના પરિણામે સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે લોકોનો ઉત્સાહ અને રસ જોવા મળી રહ્યો છે. મેળામાં ખરીદીની સાથે મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમન્વય કરવામાં આવ્યો છે. ખાસ કરીને સાંસ્કૃતિક કોર્નરમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ કલાપ્રસ્તુતિઓ મેળામાં ઉપસ્થિત નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા નાગરિકોને મેળાની ખાસ મુલાકાત લેવા અનુરોધ કરાયો છે. અપીલ કરવામાં આવે છે કે તેઓ પરિવારજનો અને મિત્રો સાથે સ્વદેશી મેળા-2026ની અવશ્ય મુલાકાત લે, વિવિધ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન આપે તેમજ સાંસ્કૃતિક કોર્નરમાં યોજાતી કલાકારોની કલાપ્રસ્તુતિઓનો આનંદ માણે.
