સામુ જોવા મામલે થયેલી માથાકુટનો ખાર રાખી માર માર્યો
રાજકોટના ઢેબર કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતમાં એક હુમલાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં રહેતા 27 વર્ષના અસલમ અનવર ભટ્ટી નામના યુવક પર તેના જ ઘર પાસે રહેમતબેન, તેમની દીકરી સુમીરાબેન અને માસીના દીકરા ઇમરાન (ઇભલો) સહિતના લોકોએ તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અસલમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ કાફલો પણ દોડી ગયો છે. આ હુમલા પાછળ એક વર્ષ જૂની છેડતીની ઘટના જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત અસલમના પરિવારના જણાવ્યા અનુસાર, આરોપી ઇમરાન દ્વારા આશરે એક વર્ષ પહેલા અસલમની બહેનની છેડતી કરવામાં આવી હતી, જેનો અસલમે વિરોધ કર્યો હતો. આ જૂની અદાવત મનમાં રાખીને ગઈકાલે સામુ જોવા બાબતે બંને પક્ષો વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો અને બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લેતા આરોપીઓએ એકસંપ થઈને અસલમ પર છરી વડે હુમલો કરી દીધો હતો. હાલ પોલીસે આ મામલે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મુંજકા ચોકડી પાસે યુવક પર પિતા-પુત્રોનો હુમલો
રાજકોટના મુંજકા ગામે રહેતા ગબ્બર જીતુ વાડોદરિયા (ઉંમર 28) નામના યુવક પર મુંજકા ચોકડી પાસે નવા 150 ફૂટ રિંગ રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર ગબ્બરભાઈએ નવા 150 ફૂટ રિંગ રોડ પર પોતાની ચાની કેબિન શરૂૂ કરી છે, જે બાબતનો ખાર રાખીને આરોપી રણછોડ અને તેના ચાર દીકરાઓએ ત્યાં આવી ’તું અહીં કેમ કેબિન કરીને બેઠો છે?’ તેમ કહી અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગબ્બર વાડોદરિયાને લાકડી અને ધોકાના પ્રહારો વાગતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
