ખેડૂતોની પીડા એક બાજુ ધકેલાઈ; ભાજપ અને આમ આદમી પાર્ટીએ રાજકારણ શરૂ કરી દીધુ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી થતી કથિત ગેરકાયદે કપાત (કળદા) મુદ્દે આમ આદમી પાર્ટી (અઅઙ) અને યાર્ડના સત્તાધીશો આમનેસામને આવી ગયા છે. ખેડુતોની પીડા ભુલીને પક્ષીય અને ચૂંટણીલક્ષી રાજકારણ શરુ થયુ છે. જેને લઇને યાર્ડની આગામી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
દરમિયાન બુધવાર થી કપાત નાં મુદ્દે બંધ રખાયેલી મરચાની હરરાજી આજે પણ બંધ રહી છે.
અઅઙએ ખેડૂતોને આર્થિક ફટકો પડતો હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો છે, જ્યારે યાર્ડના હોદ્દેદારે અઅઙ ને ’વરસાદી જીવડાં’ ગણાવી ચુંટણી લડી લેવા ખુલ્લો પડકાર ફેંક્યો છે.
હરરાજી માં મરચાનાં બારદાન નાં પાંચસો કપાત નાં મુદે ખેડુતો અને વેપારીઓ વચ્ચે ગત બુધવારે વિવાદ સર્જાયો હતો.જેનો કોઇ ઉકેલ નહી આવતાં શની, રવિ ની રજા બાદ યાર્ડ નું કામકાજ શરુ થતા આજે ફરીવાર ખેડૂતોએ મરચાની હરરાજી અટકાવી હતી.
દરમિયાન ખેડૂતોની વહારે દોડી આવેલા આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન જિગીષા પટેલ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ખેડૂતો જ્યારે મરચાં વેચવા આવે ત્યારે રૂ. 60 થી 120નો ખર્ચ કરી કંતાન (કોથળો) લાવે છે. પરંતુ વેપારીઓ વજનમાંથી 500 ગ્રામનો કળદો કાપી લે છે અને કંતાન પણ લઈ જાય છે. આ ઉપરાંત, કપાસમાં પણ પ્રતિ ગાસડી રૂ. 10 થી 20ની અયોગ્ય કપાત કરવામાં આવે છે. 1963ના એપીએમસી એક્ટની કલમ 35 મુજબ આવી કપાત ગેરકાયદેસર છે. તેમણે આક્ષેપ કર્યો કે સત્તાધીશોને રજૂઆત કરવા છતાં ગોળ-ગોળ જવાબો અપાય છે અને અવાજ ઉઠાવનાર ખેડૂતોને ઓફિસોમાં લઈ જઈ ધમકાવવામાં આવે છે. અમરેલી યાર્ડમાં આવો કોઈ કળદો કપાતો નથી તો ગોંડલ, રાજકોટ, જેતપુર અને હાપા યાર્ડમાં ખેડૂતોને શા માટે લૂંટવામાં આવે છે? તેવો સવાલ ઉઠાવી આ પ્રથા બંધ કરવા ઉગ્ર માંગ કરાઈ છે.
બીજી બાજુ અઅઙ ના હોબાળા સામે યાર્ડના ચેરમેન અલ્પેશ ભાઈ ઢોલરીયા એ આકરો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “ચૂંટણી નજીક આવતા જેમ વરસાદમાં પાંખોવાળા જીવડાં બહાર આવે તેમ અમુક લોકો પ્રશ્નો કરવા આવી ગયા છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંસ્થા ખેડૂતોની છે, કોઈ રાજકારણનો અડ્ડો નથી. જો વ્યવસ્થા સામે વાંધો હોય તો આગામી ચૂંટણી લોકશાહી ઢબે લડી લેવા તેમણે પડકાર ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું કે અહીં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે, ગત વખતે વિપક્ષને 5% થી ઓછા મત મળ્યા હતા જ્યારે વર્તમાન પેનલ 95% મતોની બહુમતીથી જીતી હતી.
યાર્ડની કામગીરીનો બચાવ કરતા ઢોલરીયાએ જણાવ્યું કે, ગોંડલ યાર્ડમાં દેશ- વિદેશના વેપારીઓ આવતા હોવાથી ખેડૂતોને પૂરતો ભાવ મળે છે. ખેડૂતો 80 કિલોમીટર દૂરથી ગોંડલ યાર્ડમાં માલ વેચવા આવે છે કારણ કે અહીં 20 કિલોએ રૂ. 300 થી 400 વધુ ભાવ મળે છે. આગામી સમયમાં 4 દેશોના પ્રતિનિધિઓ ગોંડલ યાર્ડની મુલાકાતે આવવાના છે, જેથી ખેડૂતોનો માલ સીધો વિદેશ જશે અને તેમને આર્થિક ફાયદો થશે.
મરચા ની હરરાજી માં કપાત અંગે યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ રાજકારણ રમીને હરાજીની વ્યવસ્થા ન ખોરવવા ચીમકી પણ ઉચ્ચારી હતી.
