રાજકોટના તરઘડી ગામેથી તમંચો અને કારતુસ સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયો

મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યાની કબુલાતના આધારે તપાસનો ધમધમાટ

રાજકોટ ગ્રામ્યના પડધરી પોલીસ સ્ટેશન દ્વારા દિવાળીના તહેવાર સંદર્ભે યોજાયેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન તરઘડી ગામ પાસે આવેલ આર્વીક કારખાનાના ગેટ પાસેથી એક પરપ્રાંતીય શખ્સની ગેરકાયદેસર હથિયાર સાથે અટકાયત કરી છે. આરોપી પાસેથી રૂૂ. 5,000ની કિંમતનો દેશી બનાવટનો તમંચો તથા 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, પડધરી પોલીસ મથકના પી.આઈ એમ.જી.ચૌહાણની સુચનાથી પોલીસ કોન્સ્ટેબલ નિકુલસિંહ હરપાલસિંહ ઝાલા તથા એ.એસ.આઈ. મહિપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ વિસ્તારમાં તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તરઘડી ગામના બસ સ્ટેશન પાસે બાતમી મળેલ કે આર્વીક કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો મધ્યપ્રદેશનો યુવક ગેરકાયદેસર હથિયાર ધરાવે છે અને કારખાનાના ગેટ પાસે ઊભો છે.
પોલીસ ટીમ દ્વારા તુરંત દરોડો પાડી કારખાનાના ગેટ પાસે શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા દિનેશ હરીરામ રજક (ઉં.વ. 26, મૂળ રહે. ગહાવરા, તા. ગૌરીહાર, જી. છતરપુર, મધ્યપ્રદેશ; હાલ રહે. આર્વીક કારખાનાની ઓરડી, તરઘડી) ની તલાશી લેતાં તેના પેન્ટના નેફામાંથી લાયસન્સ કે આધાર વગરનો દેશી બનાવટનો તમંચો તેમજ 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. યોગ્ય પાસ- પરમિટ ન હોવાથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ