રાજકોટમાં 312 સંવેદનશીલ સહિત 991 બુથ ઉપર 4249 જવાનોનો બંદોબસ્ત

મુખ્યમંત્રીના મતદાન મથકની મુલાકાત લેતા અધિકારીઓ

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે સંભવત: સાંજે તેઓને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ ગાંધીનગર સ્થિત નિવાસ્થાને હોમ આઇસોલેટ થશે તેમ છતાં એક મતનું મૂલ્ય સીએમ રૂપાણી સમજતા હોય નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓએ આવતીકાલે પીપીઈ કીટ પહેરી મતદાન કરવા રાજકોટ આવવાનો નિર્ણય કર્યો છે તેઓ વોર્ડ નંબર 10માં રૈયા રોડ સ્થિત સ્કૂલમાં સાંજે મતદાન કરવા આવનાર હોય શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કલેકટર રેમ્યા મોહન, ડીસીપી મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર પંડ્યા સહિતના અધિકારીઓએ આ મતદાન મથકની મુલાકાત લીધી હતી અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.

રાજકોટ તા.20
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે ત્યારે શહેરમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ તે માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને ટીઆરબીના 4249 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે શહેરના 991 બુથ પૈકી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ એવા 312 બુથ જાહેર કર્યા છે જ્યાં વધુ સ્ટાફ તૈનાત રાખવામાં આવશે તેમજ 8 ચેકપોસ્ટ ઉપર અત્યાર સુધીમાં 68140 વાહનો ચેક કરવામાં આવ્યા છે જયારે 7490 લોકોને ચેક કરી 22 આરોપીઓને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે હવે મતદાનનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે ત્યારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરના 18 વોર્ડ માટે કુલ 4249 જવાનોનો બંદોબસ્ત ફાળવાયો છે જેમાં 1631 પોલીસ, એસઆરપીની 4 કંપની, 1418 હોમગાર્ડ અને 800 ટીઆરબીનો સમાવેશ થાય છે જયારે આચારસંહિતા લાગુ થયા બાદ એક મહિનામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા અસામાજિક તત્વો જે પોલીસ ચોપડે નોંધાયેલા હોય તેવા 7490 ઈસમોને ચેક કરી 22 સામે પાસા વોરંટ ઇસ્યુ કરી જેલભેગા કરી દેવામાં આવ્યા છે 85 તડ઼ીપાર સામે તથા દારૂના કેસમાં 1028 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે શહેરના 18 વોર્ડમાં 395 બિલ્ડિંગમાં 991 બુથ આવેલા છે જેમાં 4 અતિ સંવેદનશીલ બિલ્ડિંગમાં 19 અતિ સંવેદનશીલ બુથ અને 78 સંવેદનશીલ બિલ્ડિંગમાં 293 સંવેદનશીલ બુથ આવેલા છે જ્યાં ખાસ સ્ટાફ તૈનાત રાખવામાં આવશે તેમજ 8 ચેકપોસ્ટ ઉપર 68140 વાહનો ચેક કરી 2 કેસ કરવામાં આવ્યા છે જયારે 10 પોલીસ સ્ટેશનના 10 પીઆઇ અને 55 પીએસઆઇ તથા 10 ક્યુઆરટીના સ્ટાફ દ્વારા ગ્રુપ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે
દેશી-વિદેશી દારૂના કરેલા કેસો
રાજકોટ પોલીસે એક મહિનામાં 39780 રૂપિયાનો 1989 લીટર દેશી દારૂ, 17,09,587 રૂપિયાનો 3984 બોટલ વિદેશી દારૂ, રોકડા 5000, 33,40,000 રૂપિયાની 11 કાર, 7 બાઈક, 2 રીક્ષા, 1,93,600 રૂપિયાના 20 મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ