ટિપરવાન ચાલકો પાસેથી વેરા ઉઘરાવાના આઈડિયા ફલોપ : વેરા વિભાગની અણ આવડત છતી થઇ

બાકીદારો સામે કેમ કાર્યવાહી કરવી તે બાબતે વેરા વિભાગ મુંઝાયો

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા. 27
રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય આવકનો સ્ત્રોત કાયમી વેરા વિભાગ રહ્યો છે. આ વર્ષે પણ બજેટમાં 248 કરોડનો લક્ષ્યાંક વિભાગને સોંપવામાં આવ્યો હતો. વર્ષ પૂરું થવાને એક મહિનો બાકી છે છતાં આજસુધીમાં વેરાવિભાગને 162 કરોડની આવક થઈ છે. આથી બાકીદારો ઉપર ધોંસ બોલાવવા ટીપરવાનના ચાલકો મારફત ઉઘરાણી કરવાનો આઈડિયા અમલમાં મૂક્યો હતો. જે સદંતર ફ્લોપ નિવડ્યો હોવાનું જાણવા મળેલ છે. ટીપરવાન ચાલકોને બાકીદારોનું લિસ્ટ ઈંગ્લીશ ભાષામાં આપી દેવાતા પ્રથમ દિવસથી જ ઉઘરાણીનું કામ બંધ થઈ ગયું હતું. અમને ઈંગ્લીશ ના આવડે તેમ કહી ટીપરવાન ચાલકોએ પોતાને આપવામાં આવેલા અરજદારોની ઉઘરાણીના લિસ્ટ અધિકારીઓને પરત કરતાં લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વેરાવિભાગને પરસેવો વળી જશે તેવું લાગી રહ્યું છે.
રાજકોટ શહેરમાં આવેલ 4.11 લાખ મિલકતોનો વેરો મનપા દરવર્ષે ઉઘરાવે છે. જ્યારે બાકીદારો વિરૂધ્ધ વર્ષના અંતમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. દર વર્ષે 1 લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકો વિરૂધ્ધ ઝૂંબેશ શરૂ કરી મિલકત સીલ કરવાની અને જપ્ત કરવા સુધીની કામગીરી હાથ ધરાય છે. પરંતુ, આ વર્ષે કોરોના મહામારી આવતાં મોટાભાગના ધંધાઓ ઠપ્પ થઈ જતાં વેરા વિભાગે બાકીદારો ઉપર દયા દાખવી સીલીંગ અને મિલકત જપ્તીની કામગીરી બંધ રાખી છે. જેની જગ્યાએ 10 હજારથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના રહેણાંકના મિલકત ધારકો પાસેથી ઉઘરાણી કરવા ટીપરવાન ચાલકોને કામ સોંપવામાં આવ્યું હતું. વેરા વિભાગે જે-તે વિસ્તારમાં ચાલતા ટીપરવાન ચાલકોને તે વિસ્તારના બાકીદારોનું લિસ્ટ પકડાવી તેમની પાસેથી ઉઘરાણી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવેલ આ આઈડિયા અમલમાં મૂકતાં પહેલા બાકીદારોના ઘર ઉપર સ્ટીકર લગાડવાની પણ વાત થઈ હતી. સ્ટીકરના આધારે ટીપરવાન ચાલક તે ઘરમાં ઉઘરાણી કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવેલ. પરંતુ, છેલ્લી ઘડીએ સ્ટીકર લગાવવાનું મુલત્વી રખાતા ટીપરવાન ચાલકો મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. અનેક ટીપરવાન ચાલકોએ જણાવેલ કે અમને બાકીદારોનું લિસ્ટ ઈંગ્લીશમાં આપવામાં આવ્યું છે. જે અમે વાંંચી શકતા નથી. આથી કઈ ડેલીએ જઈને ઉઘરાણી કરવી તેની ગતા-ગમ પડતી નથી. પરિણામે આ કામગીરી અમારાથી થઈ શકે તેમ ન હોય અમે ઉપરી અધિકારીઓને બાકીદારોના લિસ્ટ પરત આપવાની વિચારણા હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટીપરવાનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં કર્મચારીઓ અને ક્લિનર પૈકી મોટાભાગના કર્મચારીઓ વધુ ભણેલા નથી. વેરાવિભાગના કર્મચારીઓ પાસે ઉઘરાણી કરવાની સૂઝબૂઝ તેમજ આવડત હોવાને કારણે દરવર્ષે સિલીંગની કામગીરી દરમિયાન અરજદારો પાસેથી ઉઘરાણી કેમ કરવી એ જાણે છે. પરંતુ, ટીપરવાન ચાલકો અને ક્લિનરોને આ કામ સોંપવામાં આવતાં તેઓ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. ઉચ્ચ અધિકારીઓએ પણ આ આઈડિયા સફળ થશે કે નહીં તેવું વિચારતા હતા. ત્યારે જ તમામ ટીપરવાનના ચાલકોએ આ અઘરી કામગીરી અમારાથી નહીં થાય તેવું જણાવી દેતાં હવે એક માસનો સમય રહ્યો છે ત્યારે બાકીદારો વિરૂધ્ધ ક્યા પ્રકારની કાર્યવાહી કરવી એ બાબતે વેરાવિભાગ હવે મુંઝવણમાં મૂકાયું છે.

રિલેટેડ ન્યૂઝ