મહાનગરપાલિકાની ઓનલાઈન એપ એક વર્ષથી ઓફ!

એપ્લીકેશન ખોલો તો જૂના ન્યુઝ મળે, ટેન્ડરની વિગતો ગાયબ, અરજદારો હેરાન-પરેશાન

એપ પરથી ટેન્ડર પણ ગાયબ
રાજકોટ મહાનગરપાલિકાના મોટાભાગના પ્રોજેકટ કોન્ટ્રાક બેઈજ ઉપર આપવામાં આવે છે બ્રિજ હોય કે રોડ-રસ્તાના કામ તેના માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાય છે ટેન્ડર ન્યૂઝ પેપર દ્વારા પ્રસિધ્ધ કર્યા બાદ મનપાની મુખ્ય એપ્લીકેશન ઉપર પણ મુકવામાં આવતા હોય છે છેલ્લા ઘણા સમયથી અનેક ટેન્ડરોની મુદત પૂર્ણ થઈ જવા છતાં એપ્લીકેશન ઉપર જોવા મળ્યા નથી. જ્યારે આજે પણ ટેન્ડર વિભાગ ખોલતા ફકત 2 ટેન્ડર જોવા મળી રહ્યા છે પરિણામે ખાસ કરીને કોન્ટ્રાકટરોએ એપ્લીકેશન ઉપરથી પણ ટેન્ડર ગાયબ કરી દીધાની કાગારોળ મચાવી છે.

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા,27
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સેવાઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે ડીજીટલ યુગમાં પ્રવેશ કરી રાજકોટને સ્માર્ટસીટી બનાવવા અધિકારીઓ આખો મીંચીને કામગીરી કરવા લાગ્યા છે પરંતુ મહાનગરપાલિકાની મુખ્ય એપ્લીકેશન છેલ્લા 1 વર્ષથી અપડેટ ન કરતા અરજદારોને આજે પણ 2020ની માહિતી એપ ઉપર જોવા મળી રહી છે. આ બાબતે તપાસ કરતા વિભાગીય અધિકારીઓને કોઈજાતની જાણકારી નહીં હોવાનું જાણવા મળેલ છે.મહાનગરપાલિકાએ બે કબુતરના લોગો વાળી એપ્લીકેશન લોન્ચ કરી આ એપ્લીકેશન ઉપર તમામ પ્રકારની માહિતી શહેરીજનોને ઉપલબ્ધ થઈ શકશે તેવા બણગાઓ ફુકયા હતા. થોડો સમય આ એપ્લીકેશન વ્યવસ્થીત અપડેટ કરવામાં આવતી હતી. મહાનગરપાલિકાના તમામ વિભાગની માહિતી તેમજ ઓનલાઈન બુકિંગ કરવા માટે આ એપ્લીકેશનનો ઉપયોગ અતી મહત્વનો હોય. અરજદારો દ્વારા છેલ્લા 2 માસથી એપ્લીકેશન ખોલતા મોટાભાગની વિગત 2020ની જોવા મળી રહી છે. આ એપ્લીકેશન ઉપર પ્રોપર્ટી ટેક્ષ ભરવા માટે, પ્રોફેશનલ ટેક્સ, વોટર વિભાગ, તમામ પ્રકારના સર્ટીફિકેટ, શોપ લાઈસન્સ, કમ્પલેનની માહિતી, હોલ બુકિંગ, બહાર પડેલા તમામ ટેન્ડરની વિગતો સ્પોર્ટસ અંગેની તમામ વિગત તેમજ એપ્લીકેશન અંગેની માહિતી ઈન્ફોરર્મેશન અને સીટી બસ સેવા સહિતની વિગત એપ્લીકેશન ઉપરથી તાજી પ્રાપ્ત થઈ શકે છે પરંતુ હાલમાં મોટાભાગના વિભાગની માહિતી 2020ની દર્શાવવામાં આવી રહી છે પરિણામે અરજદારોને કોર્પોરેશન ધક્કો ખાયને જે-તે વિભાગમાં માહિતી મેળવવી પડી રહી છે.ઈન્ફોરર્મેશન વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોરોના આવ્યો ત્યારથી મોટાભાગનો સ્ટાફ આરોગ્યલક્ષી કામગીરીમાં ફાળવવામાં આવ્યો છે. હાલ, એપ્લીકેશન ઉપર ઈન્ફોર્મેશન તેમજ ટેન્ડર અને કરંટ ન્યુઝ સહિતની વિગત અપલોડ કરવામાં આવતી નથી જ્યારે ટેન્ડર અવાર-નવાર એપ્લીકેશન ઉપર મુકવામાં આવી રહ્યા છે. અરજદારોને હાઉસ ટેક્સ ભરવો હોય તો પ્રોપર્ટી ટેક્ષની વિગત પ્રાપ્ત થઈ શકે છે. આથી, ફકત ઉઘરાણી કરવાની એપ્લીકેશન ચાલુ રાખવામાં આવી છે જ્યારે હોલ બુકિંગ કરવા માટે એપ્લીકેશન ખોલવામાં આવે ત્યારે અપડેટ ન હોવાથી ઘણી વખત જે તારીખે હોલ બુક કરવાનો હોય તે તારીખ ખાલી બતાવતી હોય છે આથી અરજદાર હોલ બુક કરે ત્યારબાદ આ તારીખે બુકીંગ થઈ ગયાનું વિભાગમાંથી જાણવા મળેલ છે. આમ, મહાનગરપાલિકાની મુખ્ય એપ્લીકેશન ઉપર ઘણા સમયથી છબરડાઓ ચાલુ થયા હોય અરજદારોએ આ બાબતે લાગતા વળગતા વિભાગને અનેક વખત રજુઆત કરી છે છતાં આજે પણ એપ્લીકેશન ખોલતા માર્ચ 2020ની માહિતી જોવા મળી રહી છે. ડિજિટલ અને ઓનલાઈન સેવા તમામ વિભાગમાં શરુ કરવાના સ્વપન જોતા મહાનગરપાલિકાએ પ્રથમ મુખ્ય એપ્લીકેશન અપડેટ કરી લોકોને સેવા આપવી જોઈએ. તેવો સુર અરજદારોમાંથી ઉઠયો છે.

રિલેટેડ ન્યૂઝ