રાજકોટ જીલ્લામાં કોરોના માટે 700 બેડ ઉપલબ્ધ કરાશે

હોમ આઈસોલેટ થતા દર્દીઓને ઘરે જ રહેવા સુચના: રેમ્યા મોહન

કોરોના સામે લડવા વહીવટી તંત્ર સક્ષમ
કલેકટર રેમ્યા મોહન અને નોડલ ઓફિસર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું છે કે, કોરોના સામે લડવા માટે રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર એકદમ સજ્જ છે. રાજકોટવાસીઓને એકપણ જાતની અગવડતા નહીં પડે તંત્ર પાસે બેડ અને સ્ટાફ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને હજુ પણ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે. કોઈપણે ગભરાવવાની જરૂર નથી.

ગ્રામ્ય વિસ્તારમાં સીસીસીને મંજૂરી
સંસ્થાનું નામ સરનામું
કામદાર હોમિયો પેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર (કામદાર હોસ્5િટલ)

આર.કે. યુનિવર્સિટી કોલેજ એન્ડ હોસ્પિટલ કસ્તુરબાધામ
શ્રી બી.જી.ગેરૈયા હોસ્પિટલ કાળીપાટ
આર્યવીર હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ આર્યવિર કેમ્પસ, કુવાડવા
શ્રી બી.એ.ડાંગર હોમિયોપેથિક એન્ડ જનરલ હોસ્પિટલ પરા પીપળીયા બસ સ્ટેન્ડ સામે, જામનગર રોડ
શીતલ મેડિકલ હોસ્પિટલ કણકીયા પ્લોટ, જેતપુર
ડો.સોજીત્રા હોસ્પિટલ કણકીયા પ્લોટ, જેતપુર
વેલોસિટી હોસ્પિટલ જસદણ-આટકોટ બાયપાસ રોડ, જસદણ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા,8
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. શહેરની સાથે જિલ્લામાં પણ ઉછાળો ચિંતાજનક હદે થઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં બેડ માટે દોડી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના બેડની હાલની કુલ કેપીસીટી 3500 જેટલી છે. જેની સામે 2000થી પણ વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને સ્થિતી ગંભીર બની છે. ત્યારે શહેર અને જીલ્લામાં હજુ 700 જેટલા બેડની કેપીસીટી વધારવામાં આવશે અને સમરસમાં ઓક્સિજન લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે.
રાજકોટ સિવિલમાં દર્દીઓનો ઘસારો યથાવત છે. હાલ કોવિડ હોસ્પિટલની દર્દીઓની ક્ષમતા 590 બેડની છે. તેની સામે 509 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે શહેરમાં 963 દર્દી મળી 1500 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ જસદણ, ધોરાજી અને ગોંડલમાં પણ ફુલ થઈ રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ કેર સેન્ટરને પણ મંજૂરી આપવામાં આવી રહી છે. કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, વિરનગરમાં 45 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. તેમાં ઓક્સિજન લાઈન ફીટ કરવાનું આયોજન થઈ રહ્યું છે. ધોરાજીમાં 75 બેડ, ગોંડલમાં 70 બેડ, લોધિકા અને કુવાડવામાં પણ એક હોસ્પિટલ આગળ આવી રહી છે. આમ કુલ મળીને જિલ્લા અને શહેરમાં 700 જેટલા બેડની ક્ષમતા આગામી 5થી 6 દિવસમાં ઉભી કરવામાં આવશે. તેમાં 150 જેટલા ઓક્સિજન લાઈન વાળા બેડનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલનું ભારણ ઘટાડવામાં આવશે. રાજકોટ સિવિલની સામે આવેલી રેલ્વેની હોસ્પિટલની આરોગ્ય વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતીમાં આરોગ્ય વિભાગ દ્વારા એક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં દર્દી પોતે જ નહીં પણ ડોકટરની ટીમ નકકી કરશે કે દર્દીને ક્યાં દાખલ કરવા, દરેક પોઝીટીવને દાખલ કરવાને બદલે સામાન્ય લક્ષણવાળાને હોમ અ)ઈસોલેશન, કોવિડ કેર, ઓક્સિજનની જરૂર વાળા અને ગંભીર દર્દીઓને જ સિવિલમાં દાખલ કરવામાં આવશે. એડમીટ કરવા કે નહીં તેની મંજૂરી આરોગ્ય વિભાગની નિષ્ણાંત ટીમ જ આપશે.
વધુમાં કહ્યું હતું કે, સમરસ હોસ્ટેલમાં હાલ ઓક્સિજનની લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે એન દરરોજ એક માળમાં ઓક્સિજનની પાઈપલાઈન નાંખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં સમરસ હોસ્ટેલમાં ઓક્સિજનની લાઈનની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. હાલ 124 જેટલા દર્દીઓ સમરસમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમજ જે દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન રહી અને ઘરમાં જ સારવાર લેવાની સુચના આપવામાં આવી છે તેને ઘરમાં જ રહીને સારવાર લેવી જેથી કરીને જરૂરિયાતવાળા દર્દીઓને બેડ અને યોગ્ય સારવાર મળી રહે.
હાલ તંત્ર પાસે વેન્ટીલેટર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સિવિલમાં 200 અને ખાનગી હોસ્પિટલમાં 100 જેટલા વેન્ટીલેટર છે અને જે હોસ્પિટલો, સેન્ટરોને જરૂર પડશે તેમ તંત્ર દ્વારા વેન્ટીલેટર ફાળવવામાં આવશે. દરેક દર્દીઓને સારવાર અને સુવિધા મળી રહેશે.

રિલેટેડ ન્યૂઝ