રાજકોટમાં 4 સ્મશાનો કોરોના મૃતદેહો માટે અનામત

હવે રાહ નહીં જોવી પડે, કોવિડ પ્રોટોકોલથી થશે અંતિમવિધિ: શહેર બહારના સ્મશાન ગૃહોમાં કોરોના સિવાયના મૃતકોની અંતિમવિધિ કરાશે

મનપા વિસ્તાર બહારના સ્મશાનોને પ્રતિ મૃતદેહ 1550ની સહાય
રામનાથપરા, બાપુનગર, મવડી અને મોટામવા સ્મશાનને માત્ર કોવિડ માટે જાહેર કરાતા નોન કોવિડ માટે વધુ સ્મશાનની જરૂર પડે તેમ હોવાથી મનપા વિસ્તારની બહારના સ્મશાન સંચાલકોને તૈયાર કરાયા છે. મનપા હેઠળ આવતા ચારેય સ્મશાનને દર મહિને જે ગ્રાન્ટ અપાય છે તે ઉપરાંત કોવિડ પ્રોટોકોલ હેઠળ આવતા દરેક મૃતદેહ માટે 300 રૂપિયાની સહાય કરશે જેથી સ્મશાનનો નિભાવ થાય. જ્યારે એવા સ્મશાનો કે જે મનપા સંચાલિત નથી અને વિસ્તારમાં આવતા નથી જેમ કે નવાગામ અને તેઓ શહેરી વિસ્તારની નોન કોવિડ અંતિમવિધિ કરવા તૈયાર થયા છે તેમને પ્રત્યેક અંતિમવિધિ દીઠ 1550 રૂપિયાની સહાય અપાશે જેથી સ્મશાનોનો નિભાવ થાય.

સ્મશાન ગૃહની યાદી
રામનાથપરા સ્મશાનગૃહ
મવડી સ્મશાનગૃહ
મોટામવા સ્મશાનગૃહ
બાપુનગર, 80 ફૂટ રોડ સ્મશાનગૃહ
અન્ય માટેના સ્મશાનગૃહો
રૈયાગામ સાર્વજનિક સ્મશાનગૃહ, રૈયા ગામ પાસે
પોપટપરા કૈલાસધામ સ્મશાનગૃહ, રોણકી રોડ
મુક્તિધામ નવા થોરાળા મેઈન રોડ
રુખડિયા સ્મશાનગૃહ, નકલંકપરા, રૂખડિયા હનુમાન મંદિર પાછળ
સ્મશાનગૃહ, વાવડી ગામ, વાવડી ગામના ગેટની અંદર, વોર્ડ ઓફિસ પાછળ
સ્મશાનગૃહ, કોઠારિયા ગામ, રણુજા મંદિર રોડ
સિંધી સમાજ સ્મશાનગૃહ, રામનાથપરા-16
રામનગર ગામ સ્મશાનગૃહ, કણકોટ પાસે
નવાગામ સ્મશાનગૃહ, અમદાવાદ હાઈવે

રાજકોટ તા,14
રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન અથવા તો શંકાસ્પદ કોરોનાના દર્દીનું મોત થાય તો કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવી પડે છે પણ હાલ મૃતાંક એટલો વધ્યો છે કે બે-બે દિવસ સુધી મૃતકોને અગ્નિદાહ અપાતા નથી. આ કારણે કેવી વરવી સ્થિતિ સર્જાઈ છે અને વિધિઓ તેમજ સંસ્કૃતિમાં ફેરફાર કરવા પડ્યા છે તંત્ર દ્વારા ખાસ નિયમો બનાવીને એક જ દિવસમાં અંતિમસંસ્કાર થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ માટે મનપા અને સિવિલ હોસ્પિટલ અને જિલ્લા કલેક્ટર તંત્રની બેઠક મળી હતી અને દરેક તંત્ર અલગ અલગ જવાબદારી ઉપાડશે. સિવિલ હોસ્પિટલ મૃતદેહો પહોંચાડવાની જવાબદારી ઝડપી બનાવશે, મનપા સ્મશાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ માટે ખાસ કમિટી પણ બનાવાઈ છે અને એક જ દિવસમાં અંતિમવિધિ થાય તેના પર ધ્યાન અપાશે. જ્યારે નોન કોવિડમાં અંતિમસંસ્કારમાં સમસ્યા ન સર્જાય તે માટે શહેરી વિસ્તાર ઉપરાંત અમુક સ્મશાન શહેરી વિસ્તારની બહારના સંચાલકોને પણ તૈયાર કરાયા છે.
સિવિલ હોસ્પિટલ – તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીના જણાવ્યા અનુસાર મેન પાવર માટે ભરતી કરાઈ છે
અને મૃત્યુ બાદ શબને બોડીમાં પેક કરવાનું તેમજ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવાશે અને તુરંત જ શબને સ્મશાન ગૃહ પહોંચાડાશે આ માટે ખાસ કમિટી બનાવાઈ છે જે સિવિલ હોસ્પિટલ તેમજ સમરસમાં પણ કામ કરશે. 7 કલાકની અંદર અંતિમવિધિ થઈ જાય તેવો તંત્રનો પૂરો પ્રયાસ રહેશે આ માટે દરેક વિભાગ સહયોગ આપી રહ્યું છે. દરેક સ્મશાનમાં તલાટીઓને ફરજ સોંપાશે જેઓ હોસ્પિટલ અને સ્મશાન સંચાલકો વચ્ચે સંકલનની કામગીરી કરશે. સેનેટરી ઈન્સ્પેક્ટરની જરૂરિયાતને પહોંચી વળવા નગરપાલિકા વિસ્તારમાંથી એસ.આઈ.ની બદલી રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સ્મશાનમાં હંગામી ધોરણે કરવામાં આવી છે. અંતિમવિધિ માટે જરૂર પડ્યે સિવિલ અને મનપા વચ્ચે સંકલન કરશે. તેમજ અંતિમવિધિ માટે પરિવારને સ્વજનનો મૃતદેહ ન મળે તો તે અંગેની વ્યવસ્થા કરી આપશે. કોવિડ માટે નક્કી કરાયેલા સ્મશાન ગૃહોમાં જરૂર પડતું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ ચારેય સ્મશાનો જેમ કે રામનાથપરા, બાપુનગર, મોટામવા અને મવડી સ્મશાન ગૃહમાં માત્ર કોવિડના જ મૃતદેહો આવશે જેથી લાકડાં તેમજ ઈલેક્ટ્રિક બંનેમાં એકસાથે અંતિમવિધિ થતા હોસ્પિટલમાંથી ઝડપથી વેઈટિંગ ક્લિયર કરવા પ્રયત્ન કરાશે. વધુમાં વધુ કર્મચારીઓની ભરતી કરી કામગીરી સોંપાશે અને જે તે દિવસે જ અંતિમસંસ્કાર થાય તે જવાબદારી અપાઈ છે.

રિલેટેડ ન્યૂઝ