છાત્રો-શિક્ષકોના જીવ જોખમમાં મૂકી મોદી સ્કૂલે શિક્ષણનો ધંધો ચાલુ રાખ્યો

કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે શાળા સંચાલકોની ઘોર બેદરકારી

ઈશ્ર્વરિયામાં શાળા ધમધમતી હતી છતાં તંત્રના આંખ આડા કાન

રાજકોટ તા.14
રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને રોજેરોજ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. રાજ્યભરમાં મેડીકલ ઈમરજન્સી જેવી હાલત છે અને રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં ફિઝીકલ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રાખવા આદેશ કર્યો છે છતાં રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર ઈશ્ર્વરીયા ગામ ખાતે આવેલ મોદી સ્કૂલના સંચાલકોએ સરકારના આદેશનો ઉલાળીયો કરી ગઈકાલ સુધી શાળામાં શિક્ષણકાર્ય ચાલુ રાખી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા.
સરકારના આદેશની ઐસીતૈસી કરી મોદી સ્કૂલ ચાલુ રહેતા વાલીઓમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો અને ગઈકાલ સાંજે આ અંગે કલેકટર સુધી તસ્વીરો સાથે ફરિયાદો પહોંચતા કલેકટર દ્વારા તાબડતોબ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ રા જ મોદી સ્કૂલના સંચાલકોને નોટીસ આપી દીધી હતી.
મોદી સ્કૂલના સંચાલકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ આપેલી નોટીસના જવાબમાં શાળા સંચાલકોએ ગળે ઉતરે નહીં તેવો લુલો બચાવ કર્યો હતો અને શાળાના ટ્રસ્ટીએ હોસ્ટેલના બાળકોને જમવા લઈ ગયા હોવાનો બચાવ રજૂ કર્યો હતો.
જોકે, તસ્વીરોમાં ક્લાસરૂમમાં શિક્ષણકાર્ય ચાલુ હોવાનું સ્પષ્ટ દેખાતું હોવા છતાં પેધી ગયેલા મોદી સ્કૂલના સંચાલકોની જિલ્લા શિક્ષણ અધિકારી લાજ કાઢતા હોય તેમ ક્લાસરૂમ ચાલુ હોવાની સ્પષ્ટ તસ્વીરો હોવા છતાં બાળકોને જમાડવાની વાત માની લીધી હતી. બીજી તરફ મોદી સ્કૂલના ટ્રસ્ટીઓએ મિડીયા સમક્ષ એવો ખૂલાસો કર્યો હતો કે, સોશિયલ મિડીયામાં વાયરલ થયેલી તસ્વીરો જૂની છે. હકિકતે વાયરલ થયેલી તસ્વીરો ગઈકાલે મંગળવારની જ છે અને મોદી સ્કૂલમાં બાકાયદા ક્લાસરૂમોમાં છાત્રોને બેસાડી શિક્ષણ કાર્ય ચાલુ જ હતું. મોદી સ્કૂલના સંચાલકોએ ડીઈઓ સમક્ષ કરેલો બાળકોને જમવા લઈ જવાનો બચાવ, મીડિયા સમક્ષ જુની તસવીરો હોવાના કરેલા ખુલાસા સહિતની બાબતો અંગે કલેકટર દ્વારા તટસ્થ તપાસ કરાવવામાં આવે તો ગઈકાલ સુધી ઈશ્ર્વરિયા ગામની મોદી સ્કૂલ ચાલુ જ હોવાનું સાબિત થઈ જાય તેમ છે.આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ આવી જોખમી પ્રવૃતિ માટે આશિર્વાદ હોવાનો ઘટસ્ફોટ થાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેરના કારણે રાજ્ય સરકારે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તથા પ્રાથમિક શાળાઓમાં તા.30 એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણ બંધ રખવા હુકમ કરેલ છે પરંતુ રાજકોટની કાયમ વિવાદમાં રહેતી મોદી સ્કૂલના સંચલકો કાયદાથી પર હોય તેમ વિદ્યર્થીઓના જીવના જોખમે શિક્ષણકાર્ય ચાલુ રાખીને કાયદાની જાણે મજાક ઉડાવતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

રિલેટેડ ન્યૂઝ