‘રાહત’નાં કોથળામાંથી ‘આભાર’નું બિલાડું!

રાજકોટ સહિત સમૂચા રાજ્યમાં કોરોનાનાં કહેર વચ્ચે ઈખ રૂપાણીનાં ઠાલેઠાલાં સંબોધનથી ભારે અચરજ
ન રાહત પેકેજ, ન અન્ય કોઈ નિર્ણય: માત્ર ‘હીરોગિરી’ !

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.16
રાજકોટ, અમદાવાદ, સુરત સહિતનાં મહાનગરોમાં યમરાજ પણ હાંફી જાય તેવા કોરોના-કહૅર વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યજોગાં પ્રવચનમાં લોકાંક્ષા મુજબ વિકએન્ડ લોકડાઉન, સંપૂર્ણ કર્ફ્યૂ કે કોઈ મોટાં રાહત પેકેજ વગરની જાહેરાત વિનાં કેવળ મેડિકલ-વોરિયર્સ પ્રતયે આભારની લાગણી વ્યકત કરતાં રાજ્યભરનાં નાગરિકોએ ભારે આઘાત સાથે અચંબો અનુભવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી સવારે 12 કલાકે મહત્વની જાહેરાત કરી શકે છે અથવા કોઈ મોટ્ટો નિર્ણય જાહેર કરી શકે છે તેવા ટેલિ-મીડિયાના ઢંઢેરા વચ્ચે વિજયભાઈ રૂપાણીએ નિરર્થક અને ફિક્કૂં નિવેદન આપી કોરોના પીડિત દર્દીઓ અને વિશેષત: તેઓના સંતાપગ્રસ્ત લાખ્ખો-કરોડો પરિજનોને આઘાત આપ્યો હતો.
નોંધનિય છે કે, કોરોનાની બેફામ બનેલી મહામારીએ અધિકૃત રીતે સેંકડો બલ્કે વાસ્તવિક રીતે હજ્જારો દર્દીઓના અકાળે મોતની સોડ તણાવી દીધી અને બીજા હજ્જારો દર્દીઓ ઓક્સિજન, રેમડેસિવિર જેવા અતિ આવશ્યક ઔષધિ વગર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. આ સંજોગોમાં લોકોની અપેક્ષા હતી કે, મુખ્યમંત્રી તેઓનાં હિતમાં કોઈ રાહતરૂપ જાહેરાત કરી આશા-ઉમ્મીદ વધારશે. તદુપરાંત પડી ભાંગેલા વેપાર-ધંધા માટે તેમજ રોજનું રળી ખાનારા શ્રમિકજનો, રીક્ષા-ટેમ્પો ચાલકો, પ્લમ્બર્સ, ખેચ-મજૂરો, બાંધકામ સાઈટના કારીગરો કે દૈનિક-ભથ્થાંથી રોજી રળનારા ગરીબજનો પણ મુખ્યમંત્રી પાસેથી બહુ મોટી રાહતની આશા રાખી ટીવીના પડદા સામે ટકટકી નજરે ચોંટી ગયા હતા.
જો કે મુખ્યમંત્રીએ બધ્ધાને ગજબ રીતે નિરાશ કર્યા હતા. તેઓએ ડોકટર્સ, નર્સિસ, પેરાામેડિકલ સ્ટાફ વગેરેના યોગદાનની સ્વાભાવિક જ ભરપુર પ્રશંસા સાથે આભારની લાગણી વ્યકત કરી હતી. જો કે આવા મેડિકલ વોરિયર્સ માટે પણ તેઓએ નક્કર રાહતરુપ કોઈ જાહેરાત કરી ન્હોતી. રાજ્યમાં મેડિકલ પેરા-મેડિકલ સ્ટાફની તીવ્ર તંગી છે. હાલમાં સેવારત સ્ટાફ હાંફી ગયો છે. તેઓને રજા-રાહત પણ નસીબ નથી. આ સ્થિતિ કેવળ શાબ્દિક-પ્રસંશાથી સુધરે તેમ નથી. આમ છતાં મુખ્યમંત્રી રૂપાણીએ માત્ર આભારવર્ષા કરીને રાજ્યજોગુ વ્યકત આંટોપ્યું તેનાથી સમુચા રાજ્યએ ભારે નિરાશા અનુભવી હતી. મેડિકલ સ્ટાફને મદદરૂપ સાથીઓ-કાર્યકરોની સહાય કે દર્દીઓને રાહતરુપ દવા-સારવાર કે કોરોનાથી થરથર કાંપતા અન્ય લાખ્ખો નાગરિકોની આકાંક્ષા પ્રમાણે વિકેન્ડ લોકડાઉન સુવિધા જાહેર નહીં કરી મુખ્યમંત્રીએ કોથળામાંથી બિલાડું કાઢયા જેવું કરતા રાજ્યભરમાં ભાારે ‘ટીકા-ઉત્સવ’ મનાવાઈ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ