રાજકોટમાં રેમડેસિવિરના કાળા બજાર કરનાર બેલડીએ અગાઉ 5 ઈજેકશન વેચ્યાં તા

4 ઈન્સ્યુલીન સહિત 41 હજારનો મુદ્દામાલ કબ્જે: રિમાન્ડ મેળવવા તજવીજ

ક્રાઇમ બ્રાંચે આ રીતે કર્યો કૌભાંડનો પર્દાફાશ….
ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી.કે.ગઢવીએ રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર કરતા તત્વોને શોધી કાઢવા સ્ટાફને સૂચના આપી હતી. દરમિયાન. દરમિયાન દેવાંગ મેણસીભાઇ મેર (ઉ.વ.24, ગોકુલધામ સોસાવટી, મૂળ રામપરા, વેરાવળ, ગીર સોમનાથ) નામના શખસે અભયભાઇ ત્રિવેદીને રૂ. 30 હજારમાં ત્રણ ઇન્જેકશન આપ્યા હતા. અને વધુ એક ઇન્જેકશન ગુરુવારે રાતે આપવા આવવાનો છે તેવી અભયભાઇએ પોલીસને જાણ કરી હતી. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે.જાડેજા, મદદનીશ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, મહેનદ્રસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ ઝાલાએ ગુરુપ્રાસદ ચોક નજીકથી દેવાંગને એક રેમડેસિવિર ઇન્જેકશન સાથે ઝડપી લીધો હતો. ઇન્જેકશન, 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન અને 20 હજારની કિમતનું બાઇક તથા આગલા દિવસે વેચેલા અન્ય ત્રણ ઇન્જેકશન પણ કબજે કર્યા હતા. આ ઇન્જેકશન કેનાલ રોડ પર સત્કાર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા મિત્ર પરેશ અરસીભાઇ (રહે, સત્કાર કોવિડ-19 હોસ્પિટલ, મોરીસ હોટલ નજીક, એસટી બસ સ્ટેન્ડ પાછળ, મૂળ ટીખોર, તાલાલા,ગીરસોમનાથ) પાસેથી લાવ્યો હોવાનું કબૂલતા પોલીસે પરેશને અટકાયતમાં લઇ લીધો હતો.
બારોબાર ઇન્જેકશન વેચવા અંગે સત્કાર હોસ્પિટલને તંત્રએ નોટિસ આપી હતી….
રેમડેસીવિર ઇન્જેકશનના કાળાબજારના ગુનામાં પકડાયેલા દેવાંગને સત્કાર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતો પરેશ વાજા ઇન્જેકશન સ્પલાય કરતો હતો. પરેશની પૂછપરછ કરતા તેણે થોડાં દિવસ પહેલાં પણ એક દર્દીને બારોબાર પાંચ ઇન્જેકશન વેચ્યા હોવાની અને આ મામલે હોસ્પિટલને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નોટિસ પણ ફટકાર્યાનું જણાવ્યું હતું.
સત્કાર હોસ્પિટલ, મેડિકલ સ્ટોરના આ છે સંચાલકો…
કેનાલ રોડ પર આવેલી સત્કાર હોસ્પિટલ મૂળ આંખની હોસ્પિટલ છે. છેલ્લા 9 મહિનાથી આ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિપલ શરૂ કરી છે. હોસ્પિટલનું સંચાલન ડોક્ટર અમર કાનાબાર, ડો. હર્ષિત કોટક અને ડો. કડીવાર સંભાળે છે. જ્યારે હોસ્પિટલના મેડિકલ સ્ટોરનું સંચાનલ દિવ્યેશભાઇ અને કૃણાલભાઇ કરે છે. પરેશ વાજા પણ આ મેડિકલ સ્ટોરમાં 9 મહિનાથી નોકરી કર છે તેવી વિગતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે.

રાજકોટ તા. 16
દેશભરમાં કોરોનાએ તીવ્ર ગતી પકડી લેતા કોરોનાના દર્દીઓને આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેકશનની અછત સર્જાઇ છે. દર્દીના સગા,સંબંધી મો માગ્યા ભાવે ઇન્જેકશન ખરીદવા તૈયાર હોવાથી લેભાગુ તત્વો દ્વારા આ ઇન્જેકશન કાળાબજારમાં વેચવાનું શરૂ કરાયું છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે રૂ. 10 હજારમાં એક ઇન્જેકશન વેચતા ગીર સોમનાથના રામપરા ગામના દેવાંગ મેણસીભાઇ મેરને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી 4 ઇન્જેકશન, બાઇક, મોબાઇલ સહિત કુલ રૂ. 41,398 નો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીએ કેનાલ રોડ પર સત્કાર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા તેના મિત્ર પરેશ અરસીભાઇ વાજા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પરેશને પણ અટકાયતમાં લઇ લેવાયો છે. પરેશે થોડાં દિવસ પહેલાં પણ એક દર્દીને પાંચ ઇન્જેકશન વેચ્યાની વિગતો સામે આવતા તપાસનો રેલો મેડીકલ સ્ટોરના સંચાલક અને તબીબ સુધી પહોંચવાની સંભાવના છે. દર્દીઓની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહેલા તત્વો અંગે કોઇને જાણકારી હોય કે ભોગ બન્યા હોય તેમણે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ