ગુજરાત બાર કાઉન્સીલ કોરોનાની સારવાર લેનાર 710 વકીલોને રૂ.90 લાખ આપશે

ધારાશાસ્ત્રીઓને મેડીકલ ખર્ચ ચુકવવાના નિર્ણયને વકીલોએ આવકાર્યો

રાજકોટ તા. 3
ગુજરાત બાર કાઉન્સિલની આજે મળેલી મીટીંગમાં કોરોના મહામારીનો ભોગ બનેલાં 710 વકીલોને બનતી ત્વરાએ 90 લાખ જેટલી રકમ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સાથોસાથ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વકીલોના વારસદારોને રકમ ચુકવવા માટેની અરજીઓ પર 6ઠ્ઠી મેના રોજ નિર્ણય કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.ગુજરાત બાર કાઉન્સિલની 23-4-21ના રોજ મળેલી મીટીંગમાં કરાયેલા ઠરાવમાં ગુજરાતના કોરોનામાં મૃત્યુ પામનારા વેલ્ફેર ફંડના કાયમી ધારાશાસ્ત્રીઓને રૂપિયા 1 લાખ ત્વિરત ચુકવવા તેમ જ કોરોના મહામારીનો ભોગ બનેલા ધારાશાસ્ત્રીઓને હોસ્પિટલમાં અથવા હોમ આઇસોલેશનમાં પણ સારવાર કરાવી હોય તેવા ધારાશાસ્ત્રીઓને તેમના મેડિકલ ખર્ચ પેટે રૂપિયા 30 હજાર સુધીની સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ ઠરાવ અન્વયે ગુજરાતભરના ધારાશાસ્ત્રીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. ગુજરાત બાર કાઉન્સિલમાં કોરોના મહામારીનો ભોગ બનેલા 710 ધારાશાસ્ત્રીઓને અરજીઓ ઇ-મેઇલ મારફતે આવી હતી. આ અરજી પર ચર્ચા કરવા માટે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઇ પટેલ, બી.સી.સી.આઇ.ના રૂલ 40 કમિટીના ચેરમેન દિલીપ પટેલ, સભ્યો દિપેન દવે તથા કરણસીંહ વાઘેલા તેમજ વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહીલ તથા સભ્ય અનિલ કેલ્લાં વચ્ચે મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં રજૂ થયેલી 710 અરજીઓ પૈકી 74 ધારાશાસ્ત્રીઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તો 635 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓએ હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી. જેમાં ગુજરાતના 74 જેટલાં ધારાશાસ્ત્રીઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાથી તેમના મેડિકલ બિલોને ધ્યાનમાં લઇને રૂપિયા 30 હજાર ત્વરિત ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જયારે બાકીના ધારાશાસ્ત્રીઓને તેમના દ્રારા કરવામાં આવેલા નિયત મેડિકલ ખર્ચની સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ હોમ આઇસોલેશનમાં મેડિકલ બિલ ના હોય તેવા કિસ્સામાં પણ દરેક ધારાશાસ્ત્રીઓને રૂપિયા 10 હજાર ત્વરિત ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે ધારાશાસ્ત્રીઓને 30 હજાર ઉપરાંતનો મેડિકલ ખર્ચ થયો છે તેવા ધારાશાસ્ત્રીઓને ગુજરાત બાર કાઉન્સિલ ઇન્ડીજેન્ટ કમિટીને વધુ સહાય ચુકવવા ભલામણ કરવામાં આવી હતી.આ ઉપરાંત ગુજરાત બાર કાઉન્સિલ તરફથી કુલ 90 લાખ જેટલી રકમ ત્વરાએ તમામ કોરોના મહામારીનો ભોગ બનેલા ધારાશાસ્ત્રીઓને ત્વરિત ચુકવવાનો આજે ઠરાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આજની બેઠકમાં કોરોના મહામારીમાં મુત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓની અરજી હાથ પર લઇને નિર્ણય કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ