ડિઝીટલ ફિયાસ્કો ! જન્મ – મરણના દાખલા માટે પણ લાઇનો લાગી

ઓનલાઇનમાં ખામી સર્જાતા તંત્રની પીછેહઠ

કનેકટીવીટી ખોરવાઇ જતા લોકોમાં રોષ

કોરોના સંક્રમણ અટકાવવા ઓનલાઈન દાખલા મેળવો
મહાનગરપાલિકામાં આજે જન્મ-મરણના દાખલા કાઢવા માટે અરજદારોએ લાઈનો લગાવી હતી. પરંતુ, તંત્ર દ્વારા જન્મ-મરણના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરી મેળવી લેવાની અરજદારોને અપિલ કરી છે. તેમણે જણાવેલ કે, કોરોના સંક્રમણ ન ફેલાઈ અને લોકોના ટોળા એકઠા ન થાય તે માટે તંત્રએ ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનો દરેક લોકો ઉપયોગ કરે.

રાજકોટ તા.4
રાજકોટ શહેરમાં કોરોના મહામારીના કારણે દિવસે દિવસે કોરોનાના દર્દીઓનો મરણાંક ઉંચો જઈ રહ્યો છે. મરણજનાર દર્દીઓના સ્વજનો દ્વારા મરણનો દાખલો કઢાવવા માટે કોર્પોરેશનની જન્મ-મરણની નોંધણી વિભાગમાં ભારે ભીડ લગાવી છે ત્યારે જ છેલ્લા ત્રણ દિવસથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી બંધ કર્યા બાદ ગઈકાલે ફકત ઓનલાઈન દાખલાઓ નિકળી શકશે તેવી તંત્રએ જાહેરાત કરેલ પરંતુ, આજે વહેલી સવારથી મનપાના જન્મ-મરણ વિભાગ ખાતે લોકોએ લાઈનો લગાવતા ના છૂટકે તંત્ર દ્વારા ફિઝીકલી દાખલા કાઢવાની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી. જ્યારે કનેકટીવીટી ખોરવાઈ જતાં કામગીરી સમયસર શરૂ ન થતાં અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.
કોરોના મહામારીને કારણે મરણના દાખલા કઢાવવાની કામગીરી ફિઝીકલના બદલે ઓનલાઈન કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના સોફ્ટવેર પધ્ધતિ મુજબ જન્મ-મરણના દાખલા ડાઉનલોડ કર્યા બાદ ઓનલાઈન નીકળી શકશે તેવી જાહેરાત તંત્રએ કરેલ. સોફ્ટવેર ડાઉનલોડ કરવા સહિતની કામગીરી કરવાની હોય ત્રણ દિવસ માટે જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી સદંતર બંધ કરવામાં આવી હતી. હાલ કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ હોય મરણના દાખલા કાઢવા માટે પણ લોકોનો ધસારો જોવા મળ્યો છે. તેવામાં જ તંત્ર દ્વારા ઓનલાઈન દાખલા નિકળશે અને ફિઝીકલી દાખલા કોર્પોરેશનની કચેરી ખાતેથી મળી શકશે નહીં તેવો ફતવો જાહેર કરેલ. પરંતુ, અનેક લોકોએ વેબસાઇટ ખોલ્યાબાદ મરણનો દાખલો ડાઉનલોડ ન થતાં આ લોકો કોર્પોરેશન કચેરી ખાતે ધસી ગયા હતા. ફિઝીકલી દાખલા કાઢવાની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવેલ પરંતુ, આજે સવારથી અરજદારોના ટોળે-ટોળા જન્મ-મરણ વિભાગ ખાતે એકઠા થતાં ના છૂટકે તંત્ર દ્વારા ફિઝીકલી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જન્મ-મરણ વિભાગની બહાર 200થી વધુ અરજદારોએ જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લાઈનો લગાવી હતી. આ બાબતે જન્મ-મરણ વિભાગના અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે જણાવેલ કે, રાજ્ય સરકારની સૂચના મુજબ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે. આથી જે કોઈ અરજદારને ફિઝીકલી જન્મ-મરણનો દાખલો જોતો હશે તો કચેરી ખાતેથી મળી જશે. ફકત સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ અને લોકો ઘરની બહાર ન નિકળે તે માટે ઓનલાઈન જન્મ-મરણના દાખલાની સુવિધાનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. છતાં આજે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા અને ખરે ટાણે નેટ કનેકટીવીટી ખોરવાઈ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ