રાજકોટમાં સંતાનોને ઝેર પીવડાવી વખ ઘોળનાર પ્રૌઢે પુત્ર બાદ સારવારમાં દમ તોડ્યો

મકાન વેચાણના રૂપિયા બાબતે ખરીદનાર સાથે ચાલતી માથાકૂટમાં કોરોનાની દવા હોવાનું કહી‘ પુત્ર-પુત્રીને ઝેર પીવડાવી પોતે પણ પી લીધું’તું; પરિવારમાં શોક

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.4
રાજકોટમાં મકાન વેચાણના સોદામાં રૂપિયા બાબતે ખરીદનાર સાથે ચાલતી માથાકૂટથી કંટાળી પ્રૌઢે કોરોનાની દવા હોવાનું જણાવી પૂત્ર અને પૂત્રીને ઝેર પીવડાવી પોતે પણ વખ ઘોળી લીધું હતું. પૂત્રના મોત બાદ સારવારમાં રહેલા પિતાએ પણ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.શહેરના નાના મવા રોડ પર શાસ્ત્રીનગર અજમેરાની સામેના ભાગે આવેલા શિવમ પાર્ક-રમાં રહેતા અને કર્મકાંડ કરી પરીવારનું ગુજરાન ચલાવતા કમલેશ રામકૃષ્ણ લાબડીયા (ઉ.વ.40) એ ગઈકાલે રાત્રે કોરોનાની દવા હોવાનું પરીવારજનોને કહ્યા બાદ સૌપ્રથમ પોતે ઝેરી દવા પી લઈ પુત્ર અંકિત (ઉ.વ.23) અને પુત્રી કૃપાલી (ઉ.વ.20) ને પણ ઝેરી દવા પીવડાવી દેતા ત્રણેયને સિવિલમા ખસેડાયા હતા. પુત્ર અંકિતનું મોત નિપજતાં તાલુકા પોલીસે ઝેરી દવા પીવડાવનાર પિતા કમલેશભાઈ લાંબડિયા વિરૂધ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાયાના કલાકો બાદ કમલેશભાઈ લાંબડિયાએ સારવારમાં દમ તોડી દેતા પરીવારમાં કલ્પાંત મચી ગયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ મુળ પોરબંદરનાં કમલેશભાઈએ ચાર અલગ-અલગ ગ્લાસમાં દવા ભરી પત્નિ જયશ્રીબેન, પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને આપી તેમને કહ્યુ કે આ કોરોનાની દવા છે. જે પી લેવાથી આપણને કોરોનાની અસર નહી થાય તેમ કહી સૌપ્રથમ પોતે ગ્લાસ મોઢે માંડી દીધો હતો. ત્યારબાદ તેના પુત્ર અંકિતે અને તેના પછી પુત્રી કૃપાલીએ દવા પી લીધી હતી. તે સાથે જ કૃપાલીને ઉલ્ટી થવા લાગી હતી. વળી તીવ્ર વાસ આવતી હોવાથી જયશ્રીબેને પોતે દવા પીધી ન હતી અને સ્પષ્ટ કહી દીધુ હતુ કે ભલે મને કોરોના થાય પરંતુ હું આ દવા નહી પીવું થોડી વારમાં ત્રણેયની તબીયત લથડતા જયશ્રીબેને પરીવારના સભ્યોને જાણ કરતા ત્રણેયને 108માં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જાણ થતા તાલુકા પોલીસ પણ હોસ્પિટલ અને સ્થળ પર દોડી ગઈ હતી પોલીસને કમલેશભાઈએ લખેલી એક સ્યુંસાઈડ નોટ મળી હતી. જેના પરથી એવુ તારણ નિકળ્યુ કે કમલેશભાઈને પુત્ર અને પુત્રીના લગ્ન કરાવવા હોવાથી હાલ જયા રહેતા હતા તે શિવમ પાર્કનું મકાન વેચવા માટે કાઢ્યુ હતું. દિલિપ કોરાટ નામના શખ્સ સાથે રૂા.1.20 કરોડમાં મકાનનો સોદો કર્યો હતો. સોદા પેટે તેને રૂા.20 લાખ તત્કાળ મળી ગયા હતા. હજુ રૂા.65 લાખ લેવાના હતા જેની તેણે ઉઘરાણી કરતા દિલીપ કોરાટે પોતાના વકિલ આર.ડી.વોરાને રકમ આપી દીધાનું કહ્યુ હતું કમલેશભાઈએ વોરા પાસે ઉઘરાણી કરતા તેણે તેને રકમ આપી દીધાનું કહ્યુ હતું. જેથી આ મુદે બન્ને પક્ષો વચ્ચે વિવાદ પણ ચાલતો હતો. જે અંગે ક્રાઈમ બ્રાન્ચમાં પણ અરજી થઈ હતી. આ અરજી અંગે હાલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ તપાસ કરતો હતો ત્યા કમલેશભાઈએ પુત્ર, પુત્રી સાથે મળી આ પગલુ ભરી લીધું હતું. ત્રણ માસ પહેલા વિવાદ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી એ ડાયરીમાંથી ચાર પાનાં કોણે ફાડી નાખ્યા ? પોલીસ કરતી હતી તપાસ વકીલ વોરા મકાન માલિક કમલેશભાઈને 65 લાખ આપી દીધાનું કહેતા હતા.કમલેશભાઈનું મકાન ખરીદનાર દિલિપ કોરાટ અને તેની પત્નિ દિપ્તીબેને ત્રણેક માસ પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા પ્રમાણે અરજીમાં બન્નેએ જણાવ્યું હતું કે તેમણે કમલેશભાઈ સાથે રૂા.1.20 કરોડમાં મકાનનો સોદો કર્યો હતો. એડવાન્સમાં રૂા.20 લાખ આપી દીધા હતા. હજુ બીજા રૂા.65 લાખ આપવાના હતા. આ રકમ તેમણે પોતાના વકીલ આર.ડી.વોરાને આપી દીધી હતી. જેણે તે રકમ કમલેશભાઈને આપી દીધી હતી. આમ છતા કમલેશભાઈ હજુ રકમની ઉઘરાણી કરે છે. જેથી પોલીસે વકીલ આર.ડી.વોરાને બોલાવી પુછપરછ કરતા તેણે કહ્યુ કે રૂા.65 લાખ દિલિપભાઈ પાસેથી મળતા જ તેણે કમલેશભાઈને આપી દીધા હતા. આ બાબતે કમલેશભાઈની પોતાની ડાયરીમાં સહી પણ લઈ લીધી હતી. ત્યારબાદ જુનુ સાટાખત રદ કરી દસ્તાવેજ કરાવવા માટે રજીસ્ટ્રાર ઓફિસે જવાનું હતુ. તે દિવસે કમલેશભાઈ તેની ઓફિસે તેના કરતા પહેલા પહોંચી ગયા હતા. થોડી વાર પછી પોતે પહોંચ્યા હતા અને કમલેશભાઈને દસ્તાવેજ કરવા માટે સાથે આવવાનું કહેતા તેણે રૂા.65 લાખની ઉઘરાણી કરી હતી. ત્યારે પોતે રકમ આપી દીધાનું અને તેના પુરાવારૂપે પોતાની ડાયરીમાં તેની સહી હોવાનું કહેતા કમલેશભાઈએ ડાયરી જોવા માંગી હતી. જે તેની ઓફિસમાં બેગમાં પડી હતી તે ડાયરી તેણે લઈ જોતા તેમાં કમલેશભાઈની સહી કરેલા ચાર પાના ફાટેલા હતા જે કમલેશભાઈએ તેની ઓફિસમાં તેના પહેલા આવી ફાડી નાખ્યાની તેને શંકા છે. આ રીતે વિવાદ થતા બને પક્ષો ક્રાઈમ બ્રાન્ચ પાસે પહોંચ્યા હતા ત્યારે બન્ને પક્ષોની પુછપરછ કરાઈ હતી. જોકે ક્યો પક્ષ સાચુ બોલે છે તે સ્પષ્ટ નહી થતા ક્રાઈમ બ્રાન્ચે બે મહીના પહેલા જ તે ડાયરી કબ્જે લઈ એફએસએલમાં મોકલી આપી હતી ક્રાઈમ બ્રાન્ચના સુત્રોએ વધુમાં જણાવ્યુ કે તે વખતે જ અરજદાર પક્ષને જયાં સુધી ડાયરી અંગે એફએસએલનો રીપોર્ટ ન આવે ત્યા સુધી સ્ટે જાળવવા માટે કહેવાયું હતું. પોલીસે પિતા-પૂત્રના મોત બાદ પણ સ્યુસાઈડ નોટના આધારે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ