રાજકોટમાં પત્નીના અનૈતિક સંબંધ પુત્રોના ત્રાસથી યુવકનો આપઘાત

પત્ની-પુુત્રોને કડક સજા કરવા પોલીસ કમિશ્નરને ઉદેશીને લખેલી સ્યુસાઈડનોટ મળી

રાજકોટ તા,4
શહેરમાં મવડી ચોકડી પાસે ઉદયનગર-2/8ના ખુણે રહેતાં મિસ્ત્રી યુવાન જયસુખભાઇ એલ. વાડોદરીયા (ઉ.વ.40) નામના યુવાને આજે સવારે ગોંડલ રોડ પી.ડી.એમ. કોલેજના ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત પહેલા આ યુવાને એક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં પત્નિના આડા સંબંધો અને બે પુત્રોના અસહ્ય મારથી પોતે કંટાળી ગયાના ચોંકાવનારા આક્ષેપો છે. પોતાને ન્યાય અપાવવા આ યુવાને પોલીસ કમિશનરશ્રીને સંબોધન કરીને ચિઠ્ઠીમાં વિસ્તૃત વિગતો લખી છે.
નોંધનીય છે કે પરમ દિવસે જયસુખભાઇની પત્નિ જયશ્રીબેને પણ પોતાના પર પતિએ કાતરથી હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ સાથે સારવાર લઇ ફરિયાદ કરી હતી. પતિ દારૂ પી મારકુટ કરતો હોવાનો તેણીએ આક્ષેપ કર્યો હતો.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ શહેરમાં પી.ડી.એમ. કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં માલવીયાનગરના પીએસઆઇ બી. બી. રાણા અને પ્રશાંતસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર જયસુખભાઇ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં અનેક ચોંકાવનારા આક્ષેપો છે.
તેમણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે કમિશનર સાહેબ આ મારી સ્યુસાઇડ નોટમાં સાચી હકિકત જણાવીશ તો તેનો અમલ વહેલાસર કરવા બાબત. હું છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છું. મારાી પત્નિ જયશ્રી, બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય હેરાન પરેશાન કરે છે. છેલ્લા બે દિવસથી મને ઢોર માર મારવામાં આવ્યો છે. તે વિશે મારા પડોશમાં પુછપરછ કરવા વિનંતની મારા બંને પુત્રને આકરામાં આકરી સજા થાય તેવી મારી નમ્ર વિનંતી છે.
આ ચિઠ્ઠીમાં આગળ જણાવાયું છે કે ગઇકાલે સાંજે ચાર વાગ્યા આસપાસ મારા રૂમનું બારણું બંધ કરીને મને ઢોર માર મારવામાં આવ્યો. મારી પત્નિ ગાળો દઇ હાથમાં સાવરણી અને પ્લાસ્ટીકનો પાઇપ લઇને તૂટી પડી હતી.
નાના છોકરાએ મારા મોઢાના 6 દાંત પાડી નાંખ્યા હતાં. મોટા પુત્ર સુમિતે કમરપટ્ટાથી માર માર્યો હતો. કમરપટ્ટાના છ સાત કટકા થઇ ગયા તોય બંધ નોહતો થાતો. મારો વાંક ગુનો શું હતો તો મને ઢોર માર મારવામાં આવ્યો? પાંચ દિવસથી ખાવાનું નથી આપ્યું. આજીવન કેદની સજા થાય મારા મોટા પુત્રને એવું હું ઇચ્છુ છુ઼. ચિઠ્ઠીમાં આગળ લખ્યું છે કે મારી પત્નિની ચાલ ચલગત સારી નથી. તેની વિગત હું સબુત સાથે લખીશ. તમે આ બધાને કડક સજા થાય તેવા ઇમાનદાર પોલીસ સાહેબને કેસ આપજો. મારા છોકરા બંનેને કૂકડા બનાવીને સરઘસ કાઢજો. અત્યારે મારી તબિયત સારી નથી. હાથ પગ મોઢુ બધુ દુ:ખે છે, શ્વાસ માંડ લઇ શકુ છું. મારી ડેડ બોડી પીએમ કરો ત્યારે તમને ખબર પડશે કે મને કેટલો માર મારવામાં આવ્યો હતો.
મને માફ કરજો જયશ્રી, તે મારી એક વાત માની હોત તો હું આ પગલુ ન ભરત, હવે તું આઝાદ. મારા મરણ પછી મારું હોન્ડા મારા ભત્રીજા અમિત જયંતિભાઇને સોંપજો. મારી પત્નિને કહેજો કે હવે મેરૂ સાથે જિંદગી કાઢજે, ઇ તારો જાનુ છે. તને બધુ પુરૂ પાડે છે.આ બધાની સારી રીતે સરભરા કરજો તેવી વિંનતી. લી. આપનો વિશ્વાસુ-વાડોદરીયા જે. એલ. જેવો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માલવિયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ