બીજા દૌરમાં ગ્રામ્ય વિસ્તાર પકડતો કોરોના

એમાય સ્ત્રીઓમાં કોરોનાનું પ્રમાણ વધ્યું

રાજકોટ તા.7
કોરોનાની બીજી લહેરે જ્યારે લોકોને જપેટે લીધા છે ત્યારે દરેક વ્યક્તિ પર તેની અસર થઈ છે. પ્રથમ લહેર વખતે ઘણી જગ્યાએ સાંભળવા મળતું કે પુરુષોને કોરોના વધુ અસર કરે છે જ્યારે આ લહેરમાં સ્ત્રીઓ પણ બાકાત નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અને વેકસીનની જાગૃતિ તથા મહિલાઓની અમુક બેદરકારીને કારણે તેઓનો સંકમિત થવાની અને મૃત્યુ થવાની બાબતો નજરે ચડી છે.
મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય વિસ્તારથી જોડાયેલ છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોના નિરીક્ષણથી જણાયું કે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25 થી 60 વર્ષની સ્ત્રીઓના થયાં છે એવુ કહીએ તો ખોટું નથી. ભારતમાં પુરુષોના સંક્રમણનું પ્રમાણ વધુ છે પણ બીજી લહેરમાં મૃત્યુ દર કે મૃત્યુ જોખમ સ્ત્રીઓ ઉપર પણ વધુ જોવા મળે છે. આ માહિતી મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગામડાઓમાં કાઉન્સેલિંગ કરી રહ્યા છે તેને આધારે પ્રાપ્ત કરેલ છે. જે કોઈ કેસ નોંધાય છે તેમાંથી ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ સૌથી વધુ મૃત્યુ પામી છે તેવું પણ આ સર્વેમાં જોવા મળે છે.
ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં આ મહામારી વિશેની સજાગતા અને સમજણનો અભાવ જોવા મળે છે. તેઓ આજે પણ ખેતરે કામ પર જાય કે અન્ય કોઈ કામ કરવા જૂંડમાં જ જતી હોય છે સાથે વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત માસ્ક કે સેનેટાઇઝરનો યોગ્ય ઉપયોગ કરતી નથી તેવું પણ આ સંશોધન સર્વેને આધારે માહિતી પ્રાપ્ત થાય છે. ગામડાની સ્ત્રીઓ હજુ સજાગ નથી થઇ માટે લાગણી અને સામાજિક વ્યવહારિકતાને કારણે તેઓ બેધ્યાન રહે છે અને નાના મોટી બિમારી અને દરકાર ન લેવાની સ્ત્રીઓની વૃત્તિ કોરોના સંક્રમણમાં ખૂબ જ ભારે પડી રહી છે. કુદરતે સ્ત્રીમાં જે સહનશક્તિ મૂકી છે તેના લીધે તે નાના મોટી બીમારીઓને સહન કરી લે છે અને ઘર પરિવારની જવાબદારીઓમાં તે પોતાની બીમારીની ખેવના લેવાનું ટાળે છે જે વધુ ઘાતક પુરવાર હાલના સમયમાં થઇ રહ્યું છે.
મહિલાઓમાં એન્ટ્રોજન નામના હોર્મોન હોય છે જે ચેપ સામે લડવામા મદદરૂપ થતો હોય છે પરંતું કોરોના સંક્રમણમા આ એન્ટ્રોજન સ્ત્રીઓનું પુરતુ રક્ષણ કરી શકતો નથી. ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ સાડી આડી રાખીને તેનો માસ્ક તરીકે ઉપયોગ કરે છે જે ખૂબ જ આછી અને પારદર્શક હોવાથી વાઈરસનુ સંક્રમણ થવાથી ખૂબ જ શક્યતા રહે છે. સામાન્ય રીતે પુરૂષોની તુલનામા સ્ત્રીઓમા સહનશક્તિ અને મનોબળ વધારે હોય છે આ સહનશક્તિ અને મનોબળ સ્ત્રીઓને બેદરકાર રખાવે છે માટે પણ તેમનામા સંક્રમણનુ પ્રમાણ વધ્યું છે તેવુ પણ કહી શકાય. અતી ગંભીર અને સમાજ માટે ચેતવા જેવી માહિતી એ પ્રાપ્ત થઇ કે સ્ત્રીઓની બિમારીને પુરૂષો એટલે કે ઘરના વડીલો ગણકારતા નથી. આ પુરૂષ માનસિકતાને કારણે પણ સ્ત્રીઓ પોતાની બિમારીને છુપાવે છે અને છુપાવેલી બિમારી શરીરમા હદથી વધુ નુકસાન કરે છે માટે પણ સ્ત્રીઓનો મૃત્યુદર વધ્યો છે. આધુનિક સમાજ હજુ પુરૂષ પ્રધાનતાની છાપમાંથી બહાર નથી આવ્યો એ હકીકત આપણા સૌ માટે શરમજનક છે.

રિલેટેડ ન્યૂઝ