રાજકોટમાં દારૂ-જૂગારની મહેફિલ ઉપર દરોડો: 6 શખ્સ પકડાયા

ગાંધીગ્રામ, નવાગામ અને પોપટપરામાં જૂગારના 3 દરોડામાં 13 પત્તાપ્રેમી ઝબ્બે: 4 ફરાર

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.10
કોરોનાના સંક્રમણને અટકાવવા જાહેર કરાયેલા મીની લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ હોવાથી નવરાધૂપ બેસી રહેલા અનેક લોકોએ ખર્ચા કાઢવા તેમજ ટાઇમ પાસ કરવા ખાનગીમાં જુગારની બેઠકો શરૂ કરી દીધી છે. પોલીસે આવી જુગારની બેઠકો ઉપર દરોડા પાડવાનું શરૂ કરી ગઇ કાલે અલગ અલગ ત્રણ દરોડામાં 13 શખસની ધરપકડ કરી હતી. જે પૈકી ધરરમનગરમાં જુગારની સાથે દારૂની મહેફીલ પણ ચાલુ હોવાથી પ્રોહિબિશનનો અલગ ગુનો નોંધયામાં આવ્યો હતો. જુગારના દરોડામાં પોલીસને જોઇ ભાગી ગયેલા 4 શખસની શોધખોળ શરૂ કરી છે.
જુગારના પ્રથમ દરોડાની વિગત મુજબ, 150 ફૂટના રીંગ રોડ પર ધરમનગર આવસા યોજનાના ક્વાર્ટર નંબર 206 માં રહેતા રોનક નિલેશભાઇ સેજપાલે પોતાના ક્વાર્ટરમાં દારૂ,જુગારની મહેફીલ શરૂ કર્યાની યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા, જયંતીગીરીને માહિતી મળી હતી. પીઆઇ એ.એસ. ચાવડાની સૂચનાથી પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા, મદદનીશ રાજેશ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઉપરોક્ત ક્વાર્ટરમાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે 6 શખસ જુગાર રમી રહ્યા હતા અને બાજુમાં દારૂની અડધી ભરેલી બોટલ, ત્રણ ગ્લાસ અને નમકીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોનક નિલેશ સેજપાલ ઉપરાંત મીત રાજેશભાઇ વ્યાસ(ગોલ્ડન પોર્ટિકો એપાર્ટમેન્ટ, માધાપર ચોકડી), સાગર ભૂપતભાઇ કારેલીયા( ધરમનગર), રાજન દિનેશભાઇ હદવાણી(ઉજાસ એપાર્ટમેન્ટર, માલવીયા સોસાયટી, કાલાવડ રોડ), પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ( સત્યમ શિવમ સુંદરમ સોસાયટી, જામનગર રોડ) અને અમન સીરાજભાઇ માખાણી (રાણીમા રૂડીમા ચોક, રામાપીર ચોકડી)ને ઝડપી લઇ રોકડા રૂ. 23,200 , દારુની અડધી ભરેલી બોટલ કબજે કરી હતી. પકડાયેલા શખસો પૈકી રોનક, મીત અને સાગર નશો કરેલી હાલતમાં હોવાથી એ ત્રણેય વિરૂધ્ધ પ્રોહિબિશનનો અલગ ગુનો નોંધવામાં આવ્યો હતો. જુગારના અન્ય બે દરોડામાં નવાગામ આણંદપરમાં જાહેરમાં જુગાર રમી રહેલા ભરત આલાભાઇ શીયાળ, પ્રકાશ ભનુભાઇ જતાપરા અને દાદુ પ્રભાત જળુને રૂ. 11,500ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. દરોડા સમયે વિશાલ દિનેશભાઇ કોળી તથા વિશાલ મનસુખ ઝાપડા નાસી છૂટ્યા હતા. જ્યારે પોપટપરા શેરી નંબર 14/9 ના ખૂણા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આશીફ અશરફ ચૌહાણ, તોસીફ ઇસ્માઇલ નકુમ, રાકેશ મનગ મકવાણા અને અશ્વિન ધનજીભાઇ જાખોલીયાને પ્રદ્યુમનનગર પોલીસ રૂ. 10,800ની રોકડ સાથે ઝડપી લઇ નાસી છૂટેલા ઇરફાન ઉર્ફે પતલો કાસમ માણેક અને શામજી કોળીની શોધખોળ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ