રાજકોટમાં હોસ્પિટલમાં ધમાલ મચાવી તબીબને ગાળો ભાંડનાર બે પકડાયા

પિતાના રિપોર્ટ સારા હોવાનું તબીબે કહ્યા બાદ મૃત્યુ થતા આરોપી પુત્ર અને તેના મિત્રએ હુમલો કર્યો હતો

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 10
કોરોના કાળમાં ડોક્ટર અને નર્સીંગ સ્ટાફ સાથે દર્દીના સગા-સંબંધીઓ ઘર્ષણ, મારામારી ઉપર ઉતરી આવતા હોવાના બનાવ વધી ગયા છે. શહેરમાં નાના મવા મેઇન રોડ પર સાકેત કોવીડ અને નોન-કોવીડ હોસ્પિટલમાં ગતરાતે એક દર્દીના પુત્ર સહિત બે શખસે જાણીતા ડોક્ટર વિરલ ગાજીપરાને ગાળો ભાંડી અને મેડિકલ સ્ટોરના સંચાલક સહિત બે ઉપર હુમલો કરી ખૂનની ધમકી આપી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા પછી પોલીસે ગુનો નોંધી બન્ને હુમલાખોરને ઝડપી લીધા હતા.
હુમલાના બનાવ અંગે સાકેત હોસ્પિટલના સંકુલમાં સાકેત ફાર્મસી નામથી મેડિકલ સ્ટોર ચલાવતા જયેશ ઠાકરશીભાઇ ચાવડા (રહે, નારાયણનગર, સહકાર સોસાટી મેઇનરોડ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગતરાતે પોતે ઘરે હતો ત્યારે બે શખસે હોસ્પિટલમાં આવીન ડોકટર ગાજીપરાનું નામ લઇને બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. ડોક્ટરે ફોન કરીને આ અંગે જાણ કરતા પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે હોસ્પિટલના પાર્કિંગમાં ઉભા રહી ગાળો બોલી રહેલા બન્ને આરોપીએ એવું કહ્યું હતું કે મારા પિતા દિલીપસિંહ માનસિંહનો રિપોર્ટ ખરાબ હોવા છતાં ડોક્ટરે રિપોર્ટ સારા છે તેમ કહ્યું હતું અને દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું.આથી પોતે સમજાવટનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા બન્ને આરોપીએ તેને (જયેશ ચાવડા) માર માર્યો હતો તેમજ વચમાં છોડાવવા પડેલા મેડિકલ સ્ટોરના કર્મચારી પારસ મનુભાઇ વાડોદરીયાને પણ ફટકારી તું મને ઓળખતો નથી, હું નવદીપસિંહ જાડેજા છું, જાનથી મારી નાખીશ… તેવી ધમકી આપીને ભાગી ગયા હતા. આ બનાવનો વિડીયો વાયરલ થતાં માલવીયાનગર પોલીસે મેડિકલ સ્ટોરના સંચાલકની ફરિયાદ પરથી આરોપી નવદીપસિંહ દિલીપસિંહ જાડેજા(રહે, વિરલ સોસાયટી-1, નહેરુનગર, નાના મવા રોડ) અને અભિજીતસિંહ બળવંતસિંહ જેઠવા (રહે, સ્નેહસાગર એપાર્ટમેન્ટ, યુનિવર્સીટી રોડ) સામે ગુનો નોંધી બન્નેને ઝડપી લીધા હતા.
પોલીસ પૂછપરછમાં બહાર આવેલી વિગત મુજબ, 9 એપ્રિલે દિલીપસિંહ માનસિંહ નામના પેશન્ટ સાકેત હોસ્પિટલમાં પોતાના રિપોર્ટ બતાવવા આવ્યા હતા. ડોક્ટરે રિપોર્ટ સારા હોવાનું કહ્યું હતું. જોકે પછી તબિયત લથડતાં તેને જામનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા,જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતાં એ બાબતનું વેર રાખીને હુમલો કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ