શહેરની 40 કોવિડ હોસ્પિટલમાં ચેકીંગ: નોટિસનું નાટક, દર્દીઓ રામ ભરોસે

શહેરની 40 કોવિડ હોસ્પિટલમાં ચેકીંગ: નોટિસનું નાટક, દર્દીઓ રામ ભરોસે
એક પણ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું, ફાયર સેફ્ટી, એક્ઝીટ ગેટ અંગે તંત્રનું મૌન
(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 10
રાજકોટ તા.10
કોવિડ હોસ્પિટલમાં અથવા અન્ય હોસ્પિટલમાં આગની દૂર્ઘટના સર્જાય એટલે રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ ઉંઘમાંથી જાગે અને ધડોધડ હોસ્પિટલોમાં આડેધડ ચેકીંગ કરી નોટીસો આપી ફરી વખત ઓફિસમાં બેસી નવી દુર્ઘટનાની રાહ જોતા હોય છે. ભરૂચ ખાતે કોવિડ હોસ્પિટલમાં આગની દૂર્ઘટના સર્જાયા બાદ ફાયર વિભાગે કોવિડ હોસ્પિટલમાં દરરોજ રાત્રીના સમયે ચેકીંગ કામગીરી શરૂ કરી છે. છેલ્લા 10 દિવસની કાર્યવાહી દરમિયાન 40 કોવિડ હોસ્પિટલોમાં આજે એની એ જ સ્થિતી હોવાનું બહાર આવ્યું છે. પરિણામે ત્યાં સારવાર લેતાં દર્દીઓ ભગવાન ભરોસે દિવસો કાઢી રહ્યા છે.
ભરૂચ ખાતે કોવિડ હોસ્પિટલમાં આગની દૂર્ઘટના સર્જાયા બાદ રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા દરરોજ કોવિડ હોસ્પિટલોમાં રાત્રી દરમિયાન ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેવી જ રીતે નોન કોવિડ હોસ્પિટલોમાં પણ એક કાંતરા ચેકીંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી દરરોજ ફાયર વિભાગની ટીમ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો, એક્ઝીટ ગેઈટ સહિતના મુદ્દે ચકાસણી કરી રહી છે. 10 દિવસ બાદ કઈ હોસ્પિટલને ફાયર એનઓસી આપવામાં આવી છે તે બાબતે તપાસ હાથ ધરતાં ફાયર વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, તંત્ર દ્વારા આપવામાં આવેલ 40 કોવિડ હોસ્પિટલો પૈકી એક પણ હોસ્પિટલ પાસે આજે પણ ફાયર એનઓસી નથી. તેમજ દરેક હોસ્પિટલમાં એક્ઝીટ ગેઈટ છે કે નહીં તેની જાણકારી પણ પ્રાપ્ત થઈ નથી. જ્યારે આઈસીયુ વોર્ડમાં સ્પ્રીન્કલર લગાવવા ફરજીયાત છે છતાં મોટાભાગના હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સ્પ્રીન્કલર લગાવવામાં નથી આવ્યા. પરિણામે દર વખતે આઈસીયુ વોર્ડમાં જ આગની ઘટના ઘટતી હોવા છતાં તંત્ર દ્વારા હોસ્પિટલના સંચાલકો સામે કોઈ જાતના પગલા લેવામાં આવ્યા નથી અને ચેકીંગ કામગીરી ફકત કાગળ ઉપર દર્શાવવામાં આવી રહી હોવાની ચર્ચા પણ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ