4 વર્ષીય બાળકીને અગાશીમાં લઇ જઇ અડપલા કરનાર 66 વર્ષના વૃધ્ધની ધરપકડ

રાજકોટમાં રેલનગર વિસ્તારના બનાવ, બાળકીને રમાડવાના બહાને લઇ જઇ જાતિય સતામણી કરી તી

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 10
શહેરમાં માસૂમ બાળકી સાથે તેના જ કૌટુંબિક નાનાએ જાતીય સતામણી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. 14 દિવસ પહેલાંના બનાવ અંગે પીડિતાની માતાએ આપેલી ફરિયાદના આધારે મહિલા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી 66 વર્ષિય નરાધમને અટકાતમાં લઇ ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.શર્મનાક બનાવની વિગત મુજબ, પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતા પરિવારની 4 વર્ષની બાળકી 26 એપ્રિલે સવારે દાદી સાથે ઘરે હતી, માતા-પિતા ગામડે ગયા હતા. સવારે 11 વાગે માસૂમ બાળકીને નજીકમાં જ રહેતા અને સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા કૌટુંબિક નાના લાલજી રમાડવાના બહાને અગાસી પર લઇ ગયા હતા. 66 વર્ષિય લાલજીને માસૂમ પૌત્રીને શારીરિક અડપલાં કરતા હતપ્રભ બાળકીએ વિરોધ કરતા નરાધમ વૃધ્ધે બાળકીને મોઢું બંધ રાખવા ધમકાવી હતી. ભયભીત હાલતમાં ઘરે પહોંચેલી બાળકીએ તેની સાથે નાનાએ કરેલી હરકતની આપવીતી જણાવી હતી. સાંજે ગામડેથી પરત આવેલા પીડિતાના માતા-પિતાને સમગ્ર બનાવની જાણ કરતા બન્નેએ લાલજીના ઘરે ગયા હતા. લાલજી હાજર ન હોવાથી તેની પુત્રવધુને મળી સસરાને સમજાવવા કહ્યું હતું. અને બીજા દિવસે લાલજીને પણ ઘરે બોલાવીને ઠપકો આપ્યો હતો.
પરંતુ બેશરમ લાલજીએ પોતે એવું કોઇ કૃત્ય નહીં કર્યાનું રટણ ચાલુ રાખ્યું હતું. લાલજી કૌટુંબિક સભ્ય હોવાથી જે તે સમયે ફરિયાદ નોંધવવાનું ટાળ્યું હતું પરંતુ તેના વર્તનમાં કોઇ ફરક નહીં જણાતા પીડિતાની માતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પીએસઆઇએ પોક્સો સહિતની આકરી કલમ હેઠળ ગુનો નોંધી લાલજીને અટકાયતમાં લઇ આકરી સરભરા કરી હતી. કોવીડ રિપોર્ટ પછી તેની ધરપકડ, તબીબી ચકાસણી કરાવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ