નાના ધંધાર્થીઓને રસી મૂકાવવા મનપા-પોલીસ ઝૂંબેશ!

પોલીસ વાહનમાં રસીકેન્દ્રમાં મોકલાયા

રાજકોટ તા.9
રાજકોટ શહેરમાં કોરોના વિરોધી રસીકરણને લોકોમાંથી ઠંડો પ્રતિસાદ મળતા હવે મહાનગરપાલિકા અને પોલીસની ટુકડીઓ મેદાનમાં આવી છે. શહેરમાં છૂટક વેપાર-ધંધા કરતા લારી- ગલ્લાવાળા તથા ફેરિયાઓને વેક્સિન લેવા માટે સમજાવી વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડવાની ઝૂંબેશ પોલીસ તંત્રએ સંભાળી છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આજરોજ લારી-ગલ્લાવાળા અને છૂટક ફેરિયાઓને સમજાવી પોલીસ વાનમાં બેસાડી વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને દરેક વ્યકિત વેક્સિન લ્યે તે ચોકસાઈ કરવામાં આવી હતી.
પોલીસની માફક મહાનગરપાલિકાની ટુકડીઓ પણ રસ્તાઓ ઉપર ઉતરી છે અને દૂકાને-દૂકાને ફરી વેપારીઓએ વેક્સિન લીધી હોય નહીં તેવા વેપારીઓને વેક્સિન લીધા બાદ જ દૂકાનો ખોલવા તાકિદ કરવામાં આવી રહી છે. કોરોનાથી બચવા વેક્સિન જ એકમાત્ર ઉપાય હોવા છતાં લોકો વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે. પરિણામે તંત્રએ ડંડો ઉગામવાની ફરજ પડી છે.

રિલેટેડ ન્યૂઝ