ચોમાસુ ઢુંકડું: છુટો છવાયો 4 ઇંચ સુધી મેઘમહેર

સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં મેઘ મલ્હારની ઋતુના પ્રારંભની ગણાતી ઘડીઓ વચ્ચે સાવરકુંડલા પંથકમાં 4 ઇંચ વરસાદ વચ્ચે ચાર પશુ, પાંચ વાહન તણાયા

રાજકોટ,તા.10
સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધિવત રીતે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. તેવા સમયે છેલ્લા 24 કલાક દરમિયાન વાદળાઓની આકાશમાં અવર જવર વચ્ચે અમરેલી જિલ્લામાં નોંધપાત્ર બે ઇંચ સુધી જયારે અન્યત્ર કેટલાક સ્થળે હળવા
ભારે ઝાપટા વરસી ગયાના વાવડ મળ્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી સાથે સાવરકુંડલાના આંબરડી ગામે ધોધમાર વરસાદ ત્રાટકતા બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના પગલે ગામ વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં ઘોડાપુર આવતા ટ્રેકટર, ચાર મોટર સાયકલ, ચાર ગાય તણાઇ ગયા હતા તો બજારમાં બેંક સહીત અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.જયારે ઉના પંથક, રાજુલા સહીતના સ્થળે પણ ગામડાઓમાં એક ઇંચ સુધી વરસાદ ખાબકયાના વાવડ મળ્યા છે. તો આ સિવાય રાજકોટ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર જ્લ્લિામાં પણ દિવસભર વાદળાની અવરજવર વચ્ચે ઝાપટા વરસ્યાના અહેવાલો મળ્યા છે.
રાજકોટ
રાજકોટમાં રાત્રીના સમયે સ્વચ્છ વાતાવરણ વચ્ચે આકાશ તારલાઓના પ્રકાશથી ઝગમગતું હોય છે પરંતુ સવારથી જ વાદળાઓની આકાશમાં અવર જવર શરૂ થતા કોઇકવાર અમુક વિસ્તારોમાં છાંટાછુટી થાય છે
તો આસપાસના ગ્રામ્ય પંથકમાં જોરદાર ઝાપટા વરસી જતા જોવા મળે છે. તેવામાં સોમવારથી વિધિવત ચોમાસાના આગમનનો સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે.
રાજુલા
રાજુલા શહેરમાં એક ઇંચ વરસાદ પડતા તળાવના રૂપમાં ફેરવાઈ ગઈ પાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવા વેપારીઓની માંગણી રાજુલા શહેરમાં આજે બે વાગ્યાની આસપાસથી ધીમીધારે વરસાદ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો છે ત્યારે રાજુલા શહેરમાં વીજળી સાથે લાઈવ ગુમ થઈ ગઈ છે આ વરસાદથી ગોકુલ નગર ના રસ્તે આવેલી બાપા રામ સીતારામ મઢી પાસે પાણી ભરાયું હતું બાપા સીતારામ મંદિર ના દર્શન કરવા પણ મુશ્કેલ પડતું હોવાનું કાળુભાઈ ઝાખરા જણાવ્યું હતું બીજી તરફ ધારનાથ મહાદેવ પાણી ભરાતા આ બજાર સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી તેમજ શ્રીજી નગર વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને વાહન ચાલવા મુશ્કેલ થઇ રહ્યા હતા.
અમરેલી જીલ્લા
જેઠ માસમાં અમરેલી જીલ્લામાં અષાઢી માહો- છવાયેલ છે. આજે પણ રાજુલા પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી ભરાઇ ગયેલ હતા. ત્યારે ખાંભા પંથકમાં એક ઇંચ, લીલીયા, ધારી, સાવરકુંડલામાં અડધો ઇંચ જયારે જાફરાબાદમાં પોણો ઇંચ વરસાદ પડગલ હતો.
અમરેલી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાવી માહોલ છવાયેલ છે. રાજુલા પંથકમાં આજે પણ બપોરના એક વાગ્યા બાદ કાળઝાળ ગરમીમાં અષાઢી માહોલ છવાયેલ હતો. ત્રણ કલાકમાં ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેતરોમાં પાણી ભરાઇ ગયેલ હતા. વાવણી લાયક વરસાદ થઇ ગયાનું ખેડુતો જણાવી રહેલ હતા. જયારે ખાંભા પંથકમાં પણ એક ઇંચ વરસાદથી સર્વત્ર પાણી છવાઇ જતા હવામાં ઠંડીની લહેર છવાઇ ગયેલ હતી. ધારી તાલુકાના લાખાપાદર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા છેલ નદીમાં પુર આવેલ હતું.
સાવરકુંડલા
સાવરકુંડલા ગ્રામ પંથકમાં આજે ધોધમાર ખાબકેલા વરસાદથી નદી નાળા છલકાઇ ગયેલ હતા. સાવરકુંડલાના લુવારા ગામ પાસે સુરજવડી નદી ઉપર આવેલ સુરજવીડ ડેમ ઉપરવાસ ભારે વરસાદના કારણે આજે 3 ઇંચ જેટલો ઓવરફલો થયેલ હતો. જેથી નિચાણમાં આવેલા દોલતી, ઘાંડલા ગામના લોકોને નદીના પટમાં કે નદી કાંઠે ન જવા સાવચેત કરવામાં આવેલ હતા. સુરજવાડી નદીમાન આજે બે કાંઠે વહેણ હતું.
ઊનાના સનખડામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો…
ઊના પંથક છેલ્લા ધણા દિવસોથી અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો આવતો અમુક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ઠંડુગાર વાતાવરણ થયુ હતું. તાલુકાના સનખડા, ગાંગડા, ખત્રીવાડા સહીતના આજુબાજુના ગામોમાં સવારે અને બપોરના સમયે ધોધમાર વરસાદ પડી જતાં રસ્તા પર પાણીના ખાબોચ્યા ભરાય ગયા હતા. આ સીવાય ઉના, દેલવાડા, સામતેર, કાણકબરડા, મોઠા, ગરાળ, ખાપટ સહીતના ગામોમાં અમીછાંટણા વરસ્યા હતા. જોકે અમુક ગામોમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે ઝાપટા વરસ્યા તો ક્યાં છાંટા પડેલ હતા.

રિલેટેડ ન્યૂઝ