ગોંડલમાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા પતિ ઉપર હુમલો

મામાજી સસરા અને તેના પુત્રએ લોખંડના પાઇપ ફટકારી હાથ-પગ ભાંગી નાખ્યા

રાજકોટ તા,12
ગોંડલમાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા યુવાન ઉપર મામાજી અને તેના પુત્રએ લોખંડના પાઈપ અને સળિયા વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં રામ મંદિર પાછળ સૈનિક સોસાયટીમાં રહેતો મહેશ અશોકભાઈ સોલંકીની પત્ની છેલ્લા પાંચેક દિવસથી તેના મામાજીના ઘરે રિસામણે ચાલી ગઈ હોય જેથી મહેશ પત્નીને તેડવા ગોંડલ હાઈ-વે પર શ્રી હોટલ સામે રહેતા તેના મામાજીના ઘરે ગયો હતો ત્યારે ઝઘડો કરી તેના મામાજી રાજુ વનમાળી મકવાણા અને તેના પુત્ર રમેશે લોખંડના પાઈપ અને સળિયા વડે હુમલો કરી ‘જશુને તારા ભેગી નથી મોકલવી, હવે પછી જો અમારા ઘરે તેડવા આવીશ તો સાવ પતાવી દેશુ’ તેવી ધમકી આપી હતી.
ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ઈજાગ્રસ્ત યુવકની માતા પ્રભાબેને અશોકભાઈ સોલંકીએ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી.એલ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ