ગ્રીનલેન્ડથી ગોંડલ ચોકડી સુધીના રસ્તાની કામગીરી સત્વરે પુરી કરવા તંત્રને તાકીદ

કામગીરીની સમીક્ષા કરતા સાંસદ કુંડારિયા, મંત્રી બાવળિયા

બે વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો પરેશાન, ટ્રાફિકની ઉદ્દભવાતી સમસ્યા

રાજકોટ તા,12
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની અમલવારી અને પૂર્ણ અને પ્રગતિમાં હોય એવા કામોની સમીક્ષા કરી રાજ્ય સરકારના સંકલનથી ચાલતી વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે અને વિવિધ પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ થાય તે માટે પ્રોજેક્ટ ઓફિસર અને જિલ્લાના અધિકારીઓને સુચના આપી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.
ગ્રામીણ કક્ષાએ શ્રમિકોને રોજગારી આપતી યોજના મનરેગામાં સરકાર દ્વારા પૂરતું ફંડ ફાળવવામાં આવે છે. મનરેગા હેઠળ ગયા વર્ષે રૂ. 1600 કરોડના કામો કરવામાં આવ્યા હતા અને આ વર્ષે ગત વખત કરતા વધારે કામો વિવિધ મુખ્ય ડિપાર્ટમેન્ટને સાથે રાખીને ગ્રામીણ કક્ષાએ થાય તે માટે આયોજન હાથ ધરવા માટે રૂપરેખા ઘડવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં ગ્રામીણ વિકાસનું ફલક વધારવાની યોજનાકીય રૂપરેખા આપતા કલેકટર રેમ્યા મોહને મનરેગાની સાથે અન્ય ગ્રાન્ટને પણ જોડીને સરકારના નિયમો મુજબ લેબર વર્ક જાળવી રાખીને નવા કામોની રૂપરેખાની સાથે સબંધિત વિભાગ કચેરીના અધિકારીઓને જે તે પ્રોજેકટમાં બાકી કામગીરી પુર્ણ કરવા જણાવ્યું હતું.
નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને શાપર પાસે તેમજ ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી સુધીના રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ