કાલાવડ રોડ 150 ફુટનો કરવા 87 કપાત મિલકતોનો સર્વે શરૂ થયો

ગાર્ડન રેસ્ટોરન્ટ, શાળા-સંકુલ સહિતની કપાત થયા બાદ તમામને વળતર મળશે

રાજકોટ તા.12
રાજકોટ શહેરનો વ્યાપ વધતાની સાથો સાથ વસ્તીમાં પણ વધારો થતાં ટ્રાફિક સમસ્યા વધુ જટીલ બની છે. પરિણામે મુખ્ય માર્ગો પહોળા કરવાની કામગીરી મહાનગરપાલિકાએ હાથ ધરી છે. જેમાં લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ અનેક માર્ગો પહોળા કરવામાં આવી રહ્યા છે. જેમાં સતત ટ્રાફિકથી ધમધમતા કાલાવડ રોડને નાનામવા સ્મશાનથી લઈને ન્યારી ડેમ સુધીના 100 ફુટના રોડને 150 ફુટનો કરવા માટે બન્ને સાઈડ સાત સાત ફુટ કપાત આવતું હોય આ રોડ ઉપર આવતી મોટાભાગની ગાર્ડન હોટલો તેમજ અન્ય મિલકતોનો સર્વે શરૂ કરાયો હોવાનું મહાનગરપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
રાજકોટ શહેરના વિકાસની સાથોસાથ વાહન વ્યવહારમાં ખુબજ મોટા પ્રમાણમાં વધારો થયેલ છે તેમજ રાજકોટની પશ્ચિમે આવેલ મેટોડા ગામે ઔદ્યોગિક એકમો બહોળા પ્રમાણમાં આવેલ છે તથા રાજકોટની પશ્ચિમ તરફના ભાગથી આવતા વાહનોનો મુખ્ય પ્રવેશ છે. તેમજ રાજકોટ શહેરના ગૌરવપથ તરીકે જાણીતા કાલાવડ રોડને મોટામવા ગામથી રાજકોટ મહાનગરપાલિકાની હદ સુધી(ન્યારી ડેમ રોડ સુધી) ટી.પી. સ્કીમ મુજબ 30,00 મી. પહોળાઈનો ટી.પી. રોડ ધરાવે છે. સદર આ રસ્તાને પહોળો કરવો અત્યંત જરૂરી છે તેમજ સરકારના આદેશ મુજબ મોટામવા તથા મુંજકા ગામનો સમાવેશ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં થયેલ છે. સદર સરકારના નોટીફિકેશન અગાઉ મોટામવા તથા મુંજકાનો સમાવેશ રૂડા વિસ્તારમાં થતો હતો, જેમાં રૂડા દ્વારા રાજકોટ શહેરી વિકાસની દ્વિતિય પુનરાવર્તિત વિકાસ યોજના-2031માં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-19 હેઠળ સત્તામંડળની બોર્ડ બેઠક નં.158, તા.14/10/2019, ઠરાવ નં.1811થી આ કાલાવડ રોડની પહોળાઈ વધારી 45.00 મી. ડી.પી. રોડ સુચવવા અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (સરકાર)ના જરૂરી હુકમ માટે રજુ કરેલ છે.
ગામ મોટામવા, મુંજકામાં આવેલ ટી.પી. સ્કીમોમાંથી પસાર થતા કાલાવડ રોડ હાલે 30.00 ટી.પી. રોડની પહોળાઈ ધરાવે છે જે કાલાવડ રોડને 45,00 મી. પહોળાઈનો કરવો જરૂરી જણાય છે. જે રોડની પહોળાઈ વધારાતા રોડની બન્ને બાજુએ 7.50 મી. કપાતની અસર થાય છે. આ રોડની પહોળાઈ વધારવા ધી જી.પી.એમ.સી. એકટની કલમ-210 હેઠળ સામેલ નકશામાં લાલ રંગ રેખાથી દર્શાવ્યા મુજબ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ લાઈન દોરી કરવાની થાય છે. આ સામે જે કોઈને વાંધા લેવાના હોય અથવા સુચનો કરવાના હોય તે માટે દૈનિક પત્રો દ્વારા જાહેર પ્રસિધ્ધી કરવાની થાય છે. જાહેરાતની મુદત દરમ્યાન આવેલ વાંધા અરજીઓ/રજુઆતો તથા સુચનો લક્ષમાં લઈ વાહન વ્યવહારની વધુ સુવ્યવસ્થા માટે જે લાઈનદોરી નક્કી કરેલ છે તેને ગ્રાહ્ય રાખવા અને લાઈનદોરીમાં આવતી જમીન સંપાદન કરવા માટે વળતરના ત્રણ વિકલ્પો આપવાના થાય.

રિલેટેડ ન્યૂઝ