બાળદર્દીઓ માટે 1 હજાર બેડની ખાનગી હોસ્પિટલોને ખાસ સુચનાં

રાજકોટ તા.12
કોરોનાની સંભવીત ત્રીજી લહેર આવી રહી હોય અને સૌથી વધુ અસર બાળકો પર પડશે તેવા નિષ્ણાંતોના મતને ધ્યાનમાં રાખી કલેક્ટર કચેરી ખાતે બાળકોના નિષ્ણાંત તબીબો અને સંગઠનો સાથે નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા અને કલેક્ટર દ્વારા બેેઠક યોજી મહત્વની સુચનાઓ આપવામાં આવી હતી.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી મહત્તમ ખતરો બાળકોને રહી શકે એવાં અનુમાન સાથે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ક્રોનિક ડીસીઝવાળા બાળકો માટે તેમના વાલીઓ ઉપરાંત બાળરોગ નિષ્ણાંતો પણ વિશેષ ચિંતિત છે, કેમ કે આવા બાળકોને ઈન્ફેકશન લાગે તો વધુ જોખમી બની શકે છે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં અઢી હજારથી વધુ બાળકો ટાઈપ-વન ડાયાબિટીસના દર્દી છે. ડાયાબિટીસ ઉપરાંત કિડની ડીસીઝના બાળ દર્દીઓ તેમજ જેમને સ્ટીરોઈડ લેવા પડતા હોય એવા (અસ્થમા વગેરેના) બાળદર્દીઓને તબીબો કોરોના બાબત વધુ સંવેદનશીલ ગણે છે. પઆવા બાળકોમાં સંક્રમણની સંભાવના ઘટે એ માટે તેમના વાલીઓએ વેક્સિન લઈ લીધેલી હોય તે ખાસ જરૂરી છે, કેમ કે મોટેભાગે મોટેરાઓ જ બહારથી ચેપ ઘરમાં લઈ આવતા હોય છે.થ એવું બાળરોગ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.
હાલ પિડિયાટ્રિશ્યન્સને કોરોના ટ્રીટમેન્ટ માટેની તાલીમ પૂર્ણ થવા પર છે, અને નર્સિંગ સ્ટાફને પણ હવે બાળદર્દીઓની કોરોના સારવાર માટે ટ્રેનિંગ અપાવાની છે, જેની સમાંતરે બાળરોગ નિષ્ણાંતો આવા ક્રોનિક ડિસીઝવાળા બાળકોના માતા – પિતાને જલ્દીથી રસી લઈ લેવા સમજાવવાની ઝુંબેશ હાથ ધરશે તેમ વિશ્વસ્ત સૂત્રોમાંથી જાણવા મળે છે.
દરમિયાન, રાજકોટ પિડિયાટ્રીસ્ટ્સ એસોસીએશનના પ્રમુખ ડો. ઝંખના સંઘવીએ જણાવ્યું કે, હાલ રાજકોટની પ્રાયવેટ ચિલ્ડ્રન હોસ્પિટલોમાં 507 બેડ કેપેસિટી છે તે વધારીને એક હજાર કરવામાં આવનાર છે. આજે કલેકટર કચેરી ખાતે કલેકટર અને નોડલ ઓફિસરે ક્રિટિકલ કેર એક્સપર્ટ્સ, આઈ.એમ.એ.ના પ્રતિનિધિ વગેરે સાથે બેઠક કરી તે દરમિયાન બાળરોગ નિષ્ણાંતોને ખાનગી હોસ્પિટલોમાં બાળ દર્દીઓ માટે ઓક્સિજન બેડ અને વેન્ટીલેટરની સંખ્યા વધારવા પર ભાર મુકાયો હતો.

રિલેટેડ ન્યૂઝ