રાજકોટમાં ભાઈની રક્ષા માટે બહેને બનાવી કોરોનાથી રક્ષણ રાખતી રાખડી

માસ્ક, સેનિટાઇઝર અને રસીના ડોઝની થીમ ઉપર
બનાવી રાખડી


રાજકોટ તા.21
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈને એક મહિલા અવનવી રાખડી બનાવી રહી છે. આ વર્ષે રાજકોટમાં નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં મહિલા દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરતી રાખડી બનાવવામાં આવી છે, જેમાં માસ્ક અને સેનિટાઇઝર, ફાફડા-જલેબી, કાર, આઈફોન, વેફર, ડેરી મિલ્ક અને મોદી-રૂપાણીના ફોટા સાથે વેક્સિનની નાની બોટલવાળી રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
શહેરના એરપોર્ટ રોડમાં રહેતાં અને છેલ્લાં ચાર વર્ષથી અવનવી રાખડીઓ બનાવતાં હિનલબેન જિજ્ઞેશભાઈ રામાનુજે પોતાની આ અવનવી રાખડી વિશે જણાવ્યું હતું કે રક્ષાબંધનને લઈને રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં દર વર્ષની જેમાં આ વખતે પણ હું એક નવો ક્ધસેપ્ટ લાવી છું. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈને રક્ષાના પ્રતીક રૂપે રાખડી બાંધે છે અને હાલ કોરોનાકાળમાં વેક્સિન પણ એક સુરક્ષાનું પ્રતીક છે. ત્યારે આ બંનેનો સમન્વય કરી રાખડી બનાવી છે અને લોકોને પવેક્સિન લો અને સુરક્ષિત રહોથ નો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વેકસિન રાખડીમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા સાથે વેક્સિનની નાની બોટલ મૂકવામાં આવી છે, સાથે જ લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા મળે એવા જુદા-જુદા મેસેજ પણ આ રાખડીઓ પર લખવામાં આવ્યા છે. જોકે ખરેખર વેક્સિન તો બૂથ પર જઈને જ લઈ શકાશે, પણ રાખડી દ્વારા આ માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારી અપીલ છે કે જેમણે વેક્સિન નથી લીધી તેઓ તરત લઇ લે અને દેશને કોરોનામુક્ત બનાવવામાં સહયોગ આપે.

રિલેટેડ ન્યૂઝ