સ્કૂલોને સેફટી પ્રશ્ર્ને મુદત આપવા રજૂઆત

રાજકોટ તા.21
શાળામાં બીયુ અને ફાયર સેફ્ટીના મુદ્દે સીલ મારવામાં આવી રહ્યા છે. ત્યારે સંચાલક મંડળે શાળાઓને ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા માટે 6 માસનો સમય આપવા સરકાર સમક્ષ માંગણી કરી છે. ઉપરાંત નાની શાળાઓને ફાયર સેફ્ટી પ્રમાણપત્ર મેળવવામાંથી મુક્તિ આપી દરેક ફ્લોર પર અગ્નિશામક યંત્ર અને રેતીની ડોલ મુકવાની જોગવાઈ કરવામાં આવે તેવી રજુઆત સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત શાળાના બિલ્ડીંગનું સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી મેળવેલું સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર પણ માન્ય રાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
હાઈકોર્ટમાં રાજ્યની ફાયર સેફ્ટીના મુદ્દા ઉપર કેસ ચાલી રહ્યો છે. મોટા કોમર્શિયલ, હાઈરાઈઝ બિલ્ડીંગો, ઓદ્યોગીક વસાહતો, હોસ્પિટલો અને 15 મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતા તમામ બિલ્ડીંગો માટે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ખુબ જ આવશ્યક થઇ ગયું છે. 9 મીટર કે તેથી વધું ઉંચાઈ ધરાવતા શૈક્ષણિક સંસ્થાનો માટે પણ આ જરૂરી છે. આ તમામ મુદ્દાઓને લઈને રાજ્યના સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ભાસ્કર પટેલે પોતાની રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્યની ગ્રામ્ય અને તાલુકા કક્ષાની શાળાઓમાં 5 થી 7 ઓરડાના ગ્રાઉન્ડ ફ્લોર કે પછી ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બિલ્ડીંગો આવેલા છે અને લગભગ મોટા ભાગની શાળઓ પાસે નાના મોટા મેદાનો પણ છે. એટલું જ નહીં આ બધા મકાનોની ઉંચાઈ 9 મીટરની અંદર છે.સંચાલક મંડળે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન વિસ્તારની નાની- મોટી શાળામાં ફાયર સલામતીની વ્યવસ્થા કરવા માટે ઓછામાં ઓછા 6 માસનો સમય આપવાની જાહેરાત થવી જોઈએ. ઉપરાંત જે શાળાઓ પાસે રજાચિઠ્ઠી અથવા બાંધકામ વપરાશ પ્રમાણપત્ર હોય અને શાળા બિલ્ડીંગ 9 મીટર ઉંચાઈ કરતા નાનું હોય તો સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે શાળા બિલ્ડીંગનું ઈન્સ્પેક્શન કરાવીને અદ્યતન સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર રજુ કરવામાં આવે તો તે ગ્રાહ્ય રાખવું જોઇએ.

રિલેટેડ ન્યૂઝ